Income Tax : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જૂને NDA સાંસદોને સંબોધનમાં મધ્યમ વર્ગને લઈને જે નિવેદન આપ્યું હતું તેનાથી બજેટમાં આવકવેરા મુક્તિને લઈને આશા જાગી છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ જુલાઈના ત્રીજા સપ્તાહમાં રજૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે વડાપ્રધાનના આ નિવેદનને ગંભીરતાથી લીધું છે અને આવકવેરામાં રાહત આપવા અંગે વિચારણા શરૂ કરી દીધી છે. જેથી બજેટમાં આવકવેરામાં છૂટ આપીને મધ્યમ વર્ગને રાહત આપી શકાય.
શું કહ્યું પીએમ મોદીએ?
7 જૂનના રોજ વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે મધ્યમ વર્ગ દેશના વિકાસનો ચાલક છે અને તેમનું કલ્યાણ અને સુવિધા અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે અમે આ દિશામાં એક નીતિ બનાવીશું જેથી મધ્યમ વર્ગ કેટલાક પૈસા બચાવી શકે અને તેમનું જીવન સરળ બનાવી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યમ વર્ગને બચતની સુવિધા આપવાનું કામ શરૂ થઈ ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરામાં કોઈ છૂટ આપવામાં આવી નથી. જો કે, હવે નવી આવકવેરા પ્રણાલી પસંદ કરનારાઓએ રૂ. 50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિત રૂ. 7.5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
8 કરોડથી વધુ કરદાતા
સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવા પર ચર્ચા ચાલી રહી છે જેથી મધ્યમ વર્ગ થોડી બચત કરી શકે. હાલમાં, વાર્ષિક 15 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારાઓને 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ રેટમાં ફેરફારથી થનારી બચતથી મધ્યમ વર્ગના વપરાશમાં વધારો થશે જે અર્થતંત્ર માટે ફાયદાકારક છે.
આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો આઠ કરોડને પાર કરી ગયો હતો. કરદાતાઓની સંખ્યા પણ વધી રહી છે, તેથી સરકાર આગામી બજેટમાં આવકવેરામાં રાહતની જાહેરાત કરી શકે છે.