ભારતમાં વૈજ્ઞાનિકો સોલાર એરક્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે જે ખૂબ જ ક્રાંતિકારી સાબિત થશે. આ પ્લેન એક વખતમાં 90 દિવસ સુધી ઉડાન ભરી શકશે. આનું એક નાનું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે, જેણે 10 કલાક સુધી સફળતાપૂર્વક ઉડાન ભરી છે. આ પ્લેનને હાઈ એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ (HAP) નામ આપવામાં આવ્યું છે. તે બેંગલુરુમાં નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) માં તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્લેન સૌર ઉર્જાથી ચાલશે અને તેમાં કોઈ પાઈલટ નહીં હોય. ઓટોમેટિક મોડ પર, તે 17 થી 20 કિમીની ઉંચાઈ પર સતત દિવસ અને રાત ઉડશે. તેને સ્યુડો સેટેલાઇટ પણ કહેવામાં આવી રહ્યું છે. HAPS નો સૌથી મોટો ફાયદો એ થશે કે તે દુશ્મન વિસ્તાર પર નજર રાખવામાં મદદરૂપ થશે.
ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેક્નોલોજીસ, બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટઅપે પણ એક પ્રોટોટાઈપ વિકસાવ્યો છે. આ પ્રોટોટાઈપ 24 કલાક ઉડવામાં સક્ષમ હશે. NAL અનુસાર, HAPS યુદ્ધ દરમિયાન સેનાઓની હિલચાલ પર નજર રાખી શકે છે. આ માત્ર વ્યૂહાત્મક રીતે મદદરૂપ થશે નહીં, પરંતુ ગુપ્તચર અને દેખરેખમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. HAPS યુદ્ધ દરમિયાન વાતચીતમાં પણ મદદ કરી શકે છે. તેવી જ રીતે, એર ડિફેન્સ સર્વિસ આ એરક્રાફ્ટનો ઉપયોગ કોઈપણ મોટા ઓપરેશન દરમિયાન સૂચનાઓ આપવા માટે કરી શકે છે. તેનો સૌથી મોટો ફાયદો એ હશે કે તે દુશ્મન વિસ્તાર પર સતત નજર રાખી શકશે. એકવાર યોગ્ય સેન્સરથી સજ્જ થઈ ગયા પછી, તે દિવસ હોય કે રાત, આકાશમાં એક વિશિષ્ટ પક્ષી હશે. એક એવું પક્ષી, જે સરહદ પર આપણા પડોશી દેશોની દરેક હિલચાલ પર નજર રાખી શકશે.
અહેવાલો અનુસાર, વિશ્વમાં વર્કિંગ ઓર્ડરમાં તે એકમાત્ર HAPS છે. આ એયરબસ ઝેફાયર છે, જે અમેરિકાના એરિઝોના રણમાં 64 દિવસ સુધી સતત ઉડાન ભરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારના પ્લેન બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અમેરિકાથી લઈને બ્રિટન, જર્મની અને ન્યુઝીલેન્ડ આ પ્રયાસમાં લાગેલા છે. HAPS કાર્યક્રમના વડા ડૉ.એલ. વેંકટક્રિષ્નને કહ્યું કે આ આકાશમાં સૌર ઉર્જાથી ચાલતી આંખ છે. તે સેટેલાઇટ કરતાં ઘણું સસ્તું છે, વધુ સારું છે અને કેટલાક અઠવાડિયા સુધી હવામાં રહી શકે છે.