જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું છે કે સંપત્તિનો અધિકાર હવે માનવ અધિકારના દાયરામાં આવે છે. જસ્ટિસ વસીમ સાદિક નરગલે 20 નવેમ્બરે અરજીનો નિકાલ કરતાં સેનાને છેલ્લા 46 વર્ષનું કુલ ભાડું એક મહિનાની અંદર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આર્મીએ 1978થી અરજદારની જમીનના પ્લોટ પર કબજો જમાવ્યો હતો.
ન્યાયાધીશે કહ્યું, “સંપત્તિનો અધિકાર હવે માત્ર બંધારણીય અથવા વૈધાનિક અધિકાર જ નહીં, પણ માનવ અધિકારના દાયરામાં પણ આવે છે. આશ્રય, આજીવિકા, આરોગ્ય, રોજગાર વગેરે જેવા વ્યક્તિગત અધિકારોના ક્ષેત્રમાં માનવ અધિકારોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માનવ અધિકારોનો વ્યાપ વધ્યો છે.
2014માં અબ્દુલ મજીદ લોન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, સેનાએ 1978માં કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક તંગધારમાં તેમની 1.6 એકર જમીન પર કબજો કરી લીધો હતો. તેણે દાવો કર્યો હતો કે તેને તેની જમીન માટે કોઈ વળતર કે ભાડું મળ્યું નથી. કેન્દ્રના વકીલે દલીલ કરી હતી કે સેનાએ જમીનનો કબજો લીધો નથી, જ્યારે મહેસૂલ વિભાગે પુષ્ટિ કરી હતી કે જમીન 1978થી સેનાના કબજામાં છે. અદાલતે વિવાદિત જમીનના સંદર્ભમાં નવેસરથી સર્વે કરવાનો આદેશ આપ્યો હતો અને મહેસૂલ અધિકારીઓના અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું કે જમીન 1978 થી આર્મીના કબજામાં છે.
કોર્ટે કહ્યું કે જમીન માલિકને ક્યારેય કોઈ ભાડું કે વળતર મળ્યું નથી. કોર્ટે કહ્યું, “ઉપરોક્ત તથ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રતિવાદીઓએ અરજદારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે અને કાયદા હેઠળ નિર્ધારિત પ્રક્રિયાને અનુસર્યા વિના તેને તેમના મૂલ્યવાન બંધારણીય અધિકારથી વંચિત રાખ્યો છે.”