પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે જંગપુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પોતાના સોગંદનામામાં મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમની જંગમ સંપત્તિ સહિત કુલ 34,43,762 રૂપિયા છે. 23 લાખની સ્થાવર મિલકત ઉપરાંત આમાં ઘર અને જમીનનો સમાવેશ થાય છે.
મનીષ સિસોદિયાએ 2020ની ચૂંટણીમાં આપેલા એફિડેવિટમાં 4,78,888 રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી હતી. જે હવે 5 વર્ષ બાદ 7 ગણો વધી ગયો છે. ઉપરાંત, તે સમયે તેમની માલિકીની સ્થાવર મિલકતની કુલ કિંમત 21 લાખ રૂપિયા હતી, જેમાં 2 લાખ રૂપિયાનો વધારો થયો છે.
પત્નીની મિલકતમાં થયો વધારો
મનીષ સિસોદિયાએ એફિડેવિટમાં એમ પણ જણાવ્યું કે તેમની પત્ની પાસે હાલમાં 12 લાખ 87 હજાર રૂપિયાથી વધુની જંગમ સંપત્તિ છે. જ્યારે વર્ષ 2020ના તેમના એફિડેવિટ મુજબ, મનીષ સિસોદિયાની પત્ની પાસે 2 લાખ 66 હજાર રૂપિયાથી વધુની જંગમ સંપત્તિ હતી.
મનીષ સિસોદિયાના એફિડેવિટ મુજબ છેલ્લા 5 વર્ષમાં તેમની પત્નીની સ્થાવર મિલકતમાં પણ વધારો થયો છે. વર્ષ 2020માં તેમની પત્ની પાસે 65 લાખ રૂપિયાની સ્થાવર મિલકત હતી, હવે તેમની પત્નીના નામે સ્થાવર મિલકતની કિંમત 70 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેમજ 5 વર્ષ પહેલા તેમની પત્નીના નામે કોઈ બેંક લોન ન હતી, પરંતુ 2024માં દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ તેમની પત્નીના નામે 1 કરોડ 54 લાખ રૂપિયાની બેંક લોન છે.
છેલ્લા 5 વર્ષમાં મનીષ સિસોદિયાની સંપત્તિમાં લગભગ 30 લાખ રૂપિયા અને તેમની પત્નીની સંપત્તિમાં લગભગ 10 લાખ રૂપિયાનો વધારો થયો છે. પત્નીની જંગમ સંપત્તિ 12.87 લાખ રૂપિયા છે. પત્નીની જંગમ સંપત્તિમાં પણ 5 ગણો વધારો થયો છે.
સિસોદિયા સામે 6 કેસ
ગાઝિયાબાદમાં મનીષ સિસોદિયાના નામે એક ફ્લેટ છે, જેની કિંમત 23 લાખ રૂપિયા છે. જ્યારે સીમા સિસોદિયાના નામે મયુર વિહારમાં 70 લાખ રૂપિયાનો ફ્લેટ છે. મનીષ સિસોદિયા સામે 6 ફોજદારી કેસ ચાલી રહ્યા છે, પરંતુ તેમાંથી એક પણ આરોપ સાબિત થયો નથી.