ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 353 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ ઈંગ્લેન્ડને રમતના બીજા દિવસે વધુ સમય સુધી બેટિંગ કરવાની તક આપી ન હતી. આ સમગ્ર શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાની એક નબળાઈ સામે આવી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ રહ્યું છે. વાસ્તવમાં, ભારતીય બોલરો ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે સારી શરૂઆત આપી રહ્યા છે, પરંતુ ટીમ ઈન્ડિયા આ શરૂઆતનો સારી રીતે ઉપયોગ કરી શકી નથી.
ટીમ ઈન્ડિયાની નબળાઈ
રાંચીમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ એક સમયે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 112ના સ્કોર પર ઈંગ્લેન્ડની પાંચ વિકેટ પડી ગઈ હતી, પરંતુ ત્યાંથી ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી અને આગલી પાંચ વિકેટે કુલ 241 રન જોડ્યા. જેના કારણે તે 353 રન સુધી પહોંચી ગયો હતો. આ સિરીઝની પ્રથમ મેચમાં પણ કંઈક આવું જ થયું હતું. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ આ સમગ્ર શ્રેણીમાં માત્ર ત્રણ વખત 100+ રનની ભાગીદારી કરી છે અને આ ત્રણેય ભાગીદારી છઠ્ઠી વિકેટ અથવા તેનાથી નીચેની છે. આના પરથી સ્પષ્ટ થઈ ગયું કે ટોપ ઓર્ડર પર ભારતનો દબદબો છે પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનો તેમના માટે વધુ તણાવ પેદા કરી રહ્યા છે.
આ શ્રેણીમાં ઈંગ્લેન્ડ માટે 100+ ભાગીદારી
- 113 રન – જો રૂટ અને બેન ફોક્સ, રાંચી (છઠ્ઠી વિકેટ)
- 112 રન – ઓલી પોપ અને બેન ફોક્સ, હૈદરાબાદ (છઠ્ઠી વિકેટ)
- 102 રન જો રૂટ અને રોબિન્સન, રાંચી (8મી વિકેટ)
જો રૂટની સદી
રાંચીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટના નામે રહ્યો હતો. જો રૂટ ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અણનમ સદી સાથે પેવેલિયન પરત ફર્યો હતો. બીજા દિવસે પણ તેણે સારી બેટિંગ કરી હતી. તે એક છેડેથી અણનમ રહ્યો, પરંતુ બીજા છેડેથી કોઈ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો નહીં. આ મેચમાં રૂટે કુલ 122 રન બનાવ્યા હતા. આ ઈનિંગ તેના માટે ઘણી મહત્વની હતી. લાંબા સમયથી તેના બેટમાંથી રન નથી આવી રહ્યા. રૂટે પોતાની ઇનિંગ દરમિયાન 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.