ગુજરાતમાં વિવિધ સરકારી અને અનુદાનિત ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 9 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. સોમવારે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે આ માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાનીના પ્રશ્નના જવાબમાં, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ગૃહને જણાવ્યું હતું કે માર્ચ 2023 સુધીમાં, 4,146 રાજ્ય સંચાલિત અને સરકારી સહાયિત ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 5940 જગ્યાઓ ખાલી હતી. કોંગ્રેસના અન્ય ધારાસભ્ય ગુલાબ સિંહ ચૌહાણ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, તેમણે એમ પણ કહ્યું કે માર્ચ 2023 સુધી વિવિધ રાજ્ય સંચાલિત અને સરકારી સહાયિત માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 3,260 જગ્યાઓ ખાલી હતી.
માહિતી અનુસાર, ગુજરાતમાં કુલ 671 સરકારી અને 3,475 અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાઓ ચાલી રહી છે. લગભગ 4,146 ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે, જેમાં રાજ્ય સંચાલિત અને સરકારી સહાયિત શાળાઓનો સમાવેશ થાય છે.
કેટલી અને ક્યાં જગ્યાઓ ખાલી છે
એકલા અમદાવાદ જિલ્લામાં શિક્ષકોની 581 જગ્યાઓ ખાલી છે, ત્યારબાદ ખેડામાં 405, અમરેલીમાં 307, બનાસકાંઠામાં 299, સુરતમાં 283 અને સાબરકાંઠામાં 229 જગ્યાઓ છે. માધ્યમિક શાળાઓમાં 3,260 ખાલી જગ્યાઓમાંથી 796 જગ્યાઓ સરકારી માધ્યમિક શાળાઓમાં છે અને 2,464 જગ્યાઓ અનુદાનિત શાળાઓમાં છે.
‘6206 શાળાઓ રમતના મેદાન વિના ચાલી રહી છે’
રાજ્ય સરકારે ગૃહને ખાતરી આપી હતી કે આ ખાલી જગ્યાઓ “વહેલામાં વહેલી તકે” ભરવામાં આવશે. શાળાના બાળકો માટે રમતના મેદાનની ઉપલબ્ધતા અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રશ્નનો ડીંડોરએ જવાબ આપ્યો હતો કે સરકારી અને ખાનગી સહિત તમામ ધોરણોની 6,206 શાળાઓ કોઈપણ રમતના મેદાન વિના ચાલી રહી છે.