
Lok Sabha Election :આજે વહેલી સવારથી ગુજરાતની 25 લોકસભા બેઠક પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ગાંધીનગર સ્થિત પોતાના મતદાન મથક પર વોટ આપવા પહોંચ્યા હતા. જ્યાં ભાજપના પોલિંગ એજન્ટને જોઈને શક્તિસિંહે પ્રિસાઈડિંગ ઑફિસરને ખખડાવ્યા હતા.
હકીકતમાં રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે ગાંધીનગર સ્થિત સેક્ટર-19માં આવેલા પોતાના મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતા. જ્યાં શક્તિસિંહ મતદાન મથકની અંદર ભાજપના ચૂંટણી ચિહ્ન કમળના નિશાન ધરાવતી પેન રાખીને ભાજપના પોલિંગ એજન્ટને જોઈને ભડક્યા હતા. જે બાદ તેમણે મતદાન મથકના પ્રિસાઈડિંગ ઑફિસરને ખખડાવ્યા હતા.
હકીકતમાં મતદાન મથકની અંદર ચૂંટણી ચિહ્ન સાથે કોઈ બેસી ના શકે તેવો કાયદો છે. આમ છતાં દરેક મતદાન મથકની અંદર ભાજપના પોલિંગ એજન્ટ કમળના ચિહ્ન અને ભાજપ નેતાના ફોટાવાળી પેન રાખીને બેઠા હતા.
શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, આ બાબતે અમે ચૂંટણી કમિશને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા. આજે સવારે હું જ્યારે મારા મતદાન મથકે વોટ આપવા પહોંચ્યો, ત્યારે ભાજપના પોલિંગ એજન્ટ અંદર કમળના નિશાન અને ભાજપ નેતાની તસવીર વાળી પેન રાખીને બેઠા હતા. જે મતદાતાઓને કમળનું નિશાન દેખાડી રહ્યાં હતા.
આ બાબતે મેં પ્રિસાઈડિંગ ઑફિસરને સવાલ પૂછ્યો હતો કે, આ પેન પર ભાજપ નેતા અને કમળનું નિશાન દેખાઈ રહ્યું છે, તેના પર તમારું ધ્યાન ના ગયું? ભાજપના ચૂંટણી ચિહ્ન ધરાવતી પેન સાથે કોઈ બૂથ પર કેવી રીતે બેસી શકે?
આ સાથે જ તેમણે ગુજરાત અને કેન્દ્રના ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો હતો કે, ગુજરાતના તમામ બૂથો પર આ બાબતનું ધ્યાન કેમ નથી રાખવામાં આવી રહ્યું? શું તમે આવી રીતે જ ચૂંટણી લડવા માંગો છો? કોંગ્રેસ માટે નિયમ અને ભાજપ માટે કોઈ નિયમ નહીં, આ કેવા પ્રકારની ચૂંટણી પ્રક્રિયા છે? ભાજપ ગમે તે કરે, આ વખતે ગુજરાતની જનતા તેને પાઠ ભણાવશે.
