Loksabha Election : ગુજરાતમાં લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો છે. ત્યારે નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ મતદાન કર્યુ છે. મતદાન કરીને તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને 50 – 50 બેઠકો મળશે.
‘90 ટકા મતદાન થવાની અપેક્ષા’
આજે નવસારીમાંથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સવારે મતદાન કર્યુ છે. મતદાન કરીને તેમણે જણાવ્યુ છે કે, ‘સવારે 7 વાગ્યાથી ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં લોકશાહીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે. અપેક્ષા રાખીએ કે ગુજરાતમાં 90 ટકા મતદાન થાય.ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, વર્ષ 2014 અને 2019માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે. પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ અને ભાજપને 50 50 ટકા બેઠકો મળશે. આ એક અનુમાન છે, ગુજરાતમાં આ વખતે ટફ સાઈડ છે.’
પાટીલે મેળવી હતી રેકોર્ડ બ્રેક જીત
નોંધનીય છે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ મતથી વિજય થયા બાદ નવસારી બેઠકના ઉમેદવાર સી. આર. પાટીલ કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ સામે મેદાનમાં છે. તેઓ આ વખતે ફરીથી રેકોર્ડ વોટથી ચૂંટણી જીતવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ છે. એટલે કે નવસારી બેઠક પર સી.આર. પાટીલ અને નૈષધ દેસાઈ વચ્ચે જંગ છે.
નૈષધ દેસાઇનો વીડિયો થયો હતો વાયરલ
નવસારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ ચૂંટણી લડવા માટે લોકો પાસે દાનની અપીલ કરી હતી. વાયરલ થઈ રહેલા વીડિયામાં નૈષધ દેસાઈ જણાવ્યુ હતુ કે, ‘જાણો છે કે દુનિયામાં પહેલી વખત કોઈ રાજકીય પક્ષ એવા કોંગ્રેસના બેંક એકાઉન્ટ ચૂંટણી પહેલા સીલ થયા હોય તેવો પ્રસંગ બન્યો છે. અત્યારે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણીને ભાજપે ખૂબ જ ખર્ચાળ બનાવી દીધી છે. તેથી મારો ક્યુઆર કોડ અને બેંક એકાઉન્ટની વિગતો રજૂ કરી છે. જેથી મતદાન પહેલા તમારા આર્શીવાદ સાથે મને દાન આપવા પ્રાર્થના કરૂ છું.’