Lok Sabha Election : દાહોદ જિલ્લામાં મતદારો પવિત્ર ફરજ નિભાવવા માટે વહેલી સવારથી મતદાન મથકો પર લાઇનમાં ગોઠવાઇ ગયા હતા. તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે થઇને તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લાના યુવાઓથી માંડીને વરિષ્ઠ મતદારો તેમજ દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ આજે સાંજના 6 વાગ્યા સુધી અવશ્ય મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે.
દાહોદ મતવિસ્તારમાં 11 વાગ્યા સુધીમાં 26.35 ટકા મતદાન નોંધાયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ તમામ મતદારોને અપીલ કરી હતી કે, મે સહ પરિવાર વોટ કરીને મારી ફરજ બજાવી છે. તમે પણ આવો અને પોતાના પરિવાર સહિત મતદાન કરો અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવો.
આવનાર ભવિષ્ય માટે પોતાનો મહત્વનો ફાળો આપવામાં વૃદ્વજનો પણ પાછા પડ્યા નથી. સક્ષમ એપ વડે મળેલી મદદ મુજબ ઝાલોદ તાલુકાના મીરાખડી ગામના મહિડા રોમીબેન છમનાભાઈ કે જેઓ 90 ટકા દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા મતદાન મથક સુધી જવાની ઈચ્છા દર્શાવતાં તેઓએ ‘સક્ષમ’ ની મદદ લીધી હતી. ‘સક્ષમ’ ટીમે મતદાન મથક સુધી લઇ જવા – લાવવામાં તેમની દરેક પ્રકારની મદદ કરી હતી.
દાહોદના દાસા ગામ ખાતે જાતે સ્પષ્ટ બોલી-ચાલી ન શકે તેવા 100 વર્ષના વૃદ્ધા રતની બેન મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. શારીરિક અશક્તિ હોવાથી તેમનો ભત્રીજાએ મતદાન કરવા માટે તેમને મતદાન મથક સુધી પહોંચવામાં મદદ કરી હતી. રતની બેનએ મતદાન કરવા સાથે દરેક મતદારોને આવનાર ભવિષ્ય માટે અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી.
આજના દિવસને યાદગાર બનાવવા દાહોદના ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતા પહેલાં વરરાજા રાકેશ પર્વતભાઈ પરમારે મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી.