Lok Sabha Election :રાજ્યમાં આજે લોકસભાની 25 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ વચ્ચે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને આંચકારૂપ માહિતી સામે આવી છે જેમાં અમરેલીના રબારીકા ગામ અને પાટણ લોકસભાના વડગામના ભાખરી ગામે મતદાનનો વિરોધ કરવામાં આવ્યો છે.
અમરેલીના જેસરના રબારીકા ગામમાં મતદાન બહિષ્કાર
અમરેલીના જેસરના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી લઈ અત્યાર સુધી શૂન્ય ટકા મતદાન નોંધાયું છે. રબારીકા ગામમાં રોડ રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માગ હતી. સૌની યોજનાનું પાણીની માગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન ફેરવવા માગ કરાઇ. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા સમજાવટનો પ્રયાસ થઇ રહ્યો છે.
વડગામના ભાખરી ગામમાં મતદાનનો બહિષ્કાર
પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી લઈને અત્યાર સુધી એકપણ મતદાતાઓએ મત આપ્યો નથી. ગામમમાં 350 મતદારો છે અને એક જ બૂથ આવેલું છે. ગ્રામપંચાયત વિભાજનનો વિરોધ અને રોડ રસ્તાના કામમાં વિલંબ હોવાના કારણે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
માંગરોળ તાલુકાના સણધરા ગામે મતદાનનો બહિષ્કાર
માંગરોળ તાલુકાના સણધરા ગામે પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ગામમાં અનેક સમસ્યાઓને લઈ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. બસ સ્ટેન્ડનો અભાવ અને સિંચાઇ માટે પાણીની સમસ્યા સહિતના પ્રશ્રોના કારણે લોકોએ બહિષ્કાર કર્યો હતો. ગામમાં 300 થી વધુ મતદારો છે.
બાયડના અરજણવાવ ગામે ચૂંટણીનો બહિષ્કાર
બાયડના અરજણવાવ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. નગરપાલિકાની ડમ્પિંગ સાઈડના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કરાયો હતો. અત્યાર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી.