
Loksabha Election 2024: એક તરફ આકરી ગરમી અને બીજી તરફ હાર્ટ એટેકનો તોળાતો ખતરો. મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ જીવલેણ બની રહ્યો છે. મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચો જશે તેવી પહેલેથી જ આગાહી હતી અને સાવચેતી રાખવા સલાહ અપાઈ હતી. ત્યારે જાફરાબાદમાં એક મહિલા કર્મચારીનું ચૂંટણીની ફરજ દરમિયાન મોત નિપજ્યું છે.
લોકસભા ચૂંટણીમાં જાફરાબાદમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમ્યાન મોત નિપજ્યું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક ચૂંટણીની કામગીરી દરમિયાન પડી ગયા હતા. તેમને ઈમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.
મહિલા કર્મચારીના મોતથી ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જોકે, હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. ત્યારે હાર્ટ એટેક ફરી એકવાર જીવલેણ બની રહ્યો છે.
તો બીજી તરફ, અમદાવાદના મણિનગર ગોરના કુવા પાસે શ્રી શારદાબેનની વાડી પાસે વોટ આપીને આવેલી મહિલા એકાએક ઢળી પડી હતી. તડકામાં લૂ લાગતા જાહેર માર્ગ પર જ મહિલાને ચક્કર આવ્યા હતા, અને તે બેભાન થઈ હતી. સુરેખા રોહિત નામની 40 વર્ષની શારદાબેનની વાડી પાસે જ ઢળી પડી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.
