Lok Sabha Election : નવસારી લોકસભા બેઠક સહિત રાજ્યમાં મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર મતદાન શરુ થઇ ગયું છે. સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમજ નવસારી બેઠકના ઉમેદવાર સી. આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
આજે ગુજરાતમાં લોકસભાનું મતદાન થઇ રહ્યું છે. સવારથી મતદાન મથકો પર જઈને લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. તેઓએ કહ્યું કે, ગુજરાતના સૌ નાગરિકોને આજે હું વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરું છું, આજે મેં મારા માતા-પિતા, બહેન અને પત્ની તેમજ બુથના સૌ અગ્રણી જોડે સાથે મળીને ઢોલ નગારા અને થાળી વગાડીને બુથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે બુથ પર પહોચવાનો સંકલ્પ લીધો હતો અને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો છે.
સી. આર. પાટીલે પરિવાર સાથે મતદાન કરી જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં 26 લોકસભામાંથી 25 લોકસભામાં મતદાનનો દિવસ છે. આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબુત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબુત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ-બહેનોને મારી વિનંતી છે કે આપણને મળેલા મતદાનના અધિકારનો આપણે સૌ એ ઉપયોગ કરવો જોઈએ. જે યુવા મતદારો કે જેમને પહેલી વાર મતઅધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે, એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીને મજબુત કરવા માટે આ પ્રયત્ન છે અને તેમાં બધાએ ભાગ લેવો જોઈએ. જે દેશોમાં સરમુખત્યારશાહી છે અને લશ્કરી સાસન છે ત્યાના નાગરીકો આ લોકશાહી અને મતાધિકાર મળે તે માટે તડપતા હોય છે. જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર પ્રાપ્ત થયો છે તો આપણે એ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આઝાદીના 75 વર્ષ પછી હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણી વાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાન અધિકારનો ઉપયોગ થાય એવી મારી ગુજરાતમાં સૌને અપીલ છે.