Valsad Lok Sabha Election 2024 : વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે સહપરિવાર વલસાડ શહેરની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે ગ્રીન મતદાન મથકમાં મતદાન કર્યું હતું. કલેક્ટરએ સામાન્ય નાગરિકો સાથે લાઈનમાં ઊભા રહી, આઈડી કાર્ડ ચેક કરાવી પોતાની મતદાનની ફરજ અદા કરી હતી. મતદારોને અપીલ કરતા કહ્યું કે, વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને વધુ શક્તિશાળી બનાવો. ત્રણ વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન નોંધાયું છે.
યુવાઓની સાથે સાથે વૃદ્ધો પણ પોતાની મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. વલસાડ શહેરના 87 વર્ષીય મંજૂલાબેન ઠાકોરભાઈ ભટ્ટ ઉત્સાહભેર મતદાન માટે પહોંચ્યા હતા. શારીરીક રીતે અશક્ત હોવાથી મતદાન મથક ખાતે તેમને વ્હીલચેરમાં બેસાડી તેમને મતદાન બૂથ સુધી લઈ જવાયા હતા ત્યાં તેમણે મતદાન કરી પોતાની ફરજ પૂર્ણ કરી હતી.
પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તૃપ્તિ કર્નિકેવ ગ્રીન બૂથ ખાતે પોતાનો વોટ આપ્યો હતો અને હતું કે, ગ્રીન ઈકોફ્રેન્ડલી મતદાન મથક ખાતે પ્રથમવાર મતદાન કરી આનંદ અને ઉત્સાહ અનુભવું છું. આ મતદાન મથકથી લોકોને પર્યાવરણ જાગૃતિનો આઈડિયા પહોંચશે. યુવા મતદારોએ મતદાન મથકો ખાતે મૂકાયેલા સેલ્ફી સ્ટેન્ડ ખાતે ફોટો ખેંચાવી પોતાના પ્રથમ મતદાનના પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
જિલ્લાના કુલ 2006 મતદાન મથકોમાંથી 49 પિંક મતદાન મથકો, પાંચ PWD દ્વારા સંચાલિત, ત્રણ યુવા સંચાલિત અને પાંચ ગ્રીન ઈકોફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા હતા. આ મતદાન મથકો ખાતે દરેક મહિલા અધિકારીઓએ પિંક રંગના વસ્ત્રો પહેરી ફરજ નિભાવી હતી. જ્યારે દરેક પિંક મતદાન મથકોને ગુલાબી ફુગ્ગાઓ, ગુલાબી મંડપ અને સેલ્ફી સ્ટેન્ડથી શણગારવામાં આવ્યા હતા.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુદી જુદી કેટેગરીના મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. જેમાં PWD મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક એક એમ કુલ પાંચ PWD સંચાલિત મતદાન મથકો બનાવાયા હતા.