બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન દાના ઝડપથી ઓડિશા અને બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આજે મધ્યરાત્રિએ અથવા આવતીકાલે સવારે દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. આ તોફાન ભારે તબાહી મચાવી શકે છે, જેને લઈને રાજ્ય સરકારો અને કેન્દ્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની વચ્ચે દરેકના મનમાં એક પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે ઓડિશા અને બંગાળ તરફ આગળ વધી રહેલા આ ચક્રવાતી તોફાનને દાના નામ કેવી રીતે પડ્યું અને કોણે અને શા માટે આપ્યું? તો ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ અને એ પણ જાણીએ કે ચક્રવાતી તોફાનોને નામ આપવાની પ્રક્રિયા શું છે અને તેના નિયમો શું છે.
કતારે ‘દાના’ નામ આપ્યું છે
ચક્રવાતી તોફાન ડાના છેલ્લા બે મહિનામાં ભારતીય દરિયાકાંઠે ત્રાટકેલું બીજું ચક્રવાતી તોફાન છે. આ અગાઉ ઓગસ્ટના અંતમાં ચક્રવાતી તોફાન આસ્ના પણ ભારતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ચક્રવાતી તોફાનોના નામકરણ માટે એક સંમેલન છે અને વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ ચક્રવાતી તોફાનોના નામકરણ માટે સંપૂર્ણ પ્રક્રિયા નિર્ધારિત કરી છે. આ પ્રક્રિયાને કારણે જ દાના નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા હેઠળ કતારએ ‘દાના’ નામ આપ્યું છે, જેનો અર્થ થાય છે ઉદારતા.
ચક્રવાતી તોફાનોના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
સમગ્ર વિશ્વમાં છ પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો છે. પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રો છે. આ પ્રાદેશિક કેન્દ્રો પાસે તોફાન સંબંધિત એડવાઈઝરી જારી કરવાનો અને તેમના નામ નક્કી કરવાનો અધિકાર છે. ભારતીય હવામાન વિભાગ એ વિશ્વના છ પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રોમાંનું એક છે, જે 13 દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સંબંધિત સલાહ આપે છે. આ 13 દેશોમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, યુએઈ અને યમનનો સમાવેશ થાય છે.
વાવાઝોડાના નામ નક્કી કરવાના નિયમો શું છે?
વર્ષ 2020 માં, IMD ના પ્રાદેશિક કેન્દ્રે ચક્રવાતી વાવાઝોડાના 169 નામોની સૂચિ બહાર પાડી હતી, આ જૂથમાં સામેલ દરેક દેશે 13 નામ સૂચવ્યા છે, જે તે પ્રદેશમાં આવતા વાવાઝોડાને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશો દ્વારા નામ સૂચવ્યા બાદ આ નામો વિશ્વ હવામાન સંસ્થાને મોકલવામાં આવે છે, ત્યાંથી યાદીને અંતિમ મંજૂરી આપવામાં આવે છે. ચક્રવાતી વાવાઝોડાના નામ સૂચવતી વખતે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. જે અંતર્ગત દેશને રાજનીતિ, રાજકીય વ્યક્તિઓ, ધાર્મિક માન્યતાઓ સાથે ન જોડવો જોઈએ. તોફાનનું નામ તટસ્થ, સંસ્કૃતિ, લિંગ સાથે જોડાયેલું ન હોવું જોઈએ. તોફાનનું નામ એવું હોવું જોઈએ કે તેનાથી કોઈ સમુદાય કે વસ્તીને નુકસાન ન થાય. તોફાનનું નામ અપમાનજનક ન હોવું જોઈએ અને નામ વાંચવામાં અને ઉચ્ચારવામાં સરળ હોવું જોઈએ.
આ પણ વાંચો – સરદાર પટેલના વારસાને સરકાર આપશે ખૂબ સન્માન, બે વર્ષ ચાલશે કાર્યક્રમો