ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય નાગરિક વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ વોરંટ જારી કર્યું છે. આ વ્યક્તિનું નામ વિકાસ યાદવ છે જે ભારત સરકારનો ભૂતપૂર્વ કર્મચારી હોવાનું કહેવાય છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આરોપી હવે ભારત સરકારનો કર્મચારી નથી. દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખંડણીના કેસમાં વિકાસ યાદવની ધરપકડ કરી છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિકાસ યાદવના નામનો ઉલ્લેખ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજોમાં સહ-ષડયંત્રકાર તરીકે કરવામાં આવ્યો હતો. લગભગ ત્રણ અઠવાડિયા પછી તેની ભારતમાં ધરપકડ કરવામાં આવી. રેકોર્ડને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે વિકાસને આ વર્ષે એપ્રિલમાં જામીન પર છોડવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, 18 ડિસેમ્બર, 2023ના રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રોહિણીના રહેવાસી દ્વારા નોંધાવેલી FIRના આધારે વિકાસ યાદવની ધરપકડ કરી હતી. તેના પર છેડતી અને અપહરણ જેવા ગંભીર આરોપો લાગ્યા હતા. વધુમાં, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે તેના સંબંધો હોવાના પણ દાવા કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે તે અગાઉ એક આઈટી કંપની ચલાવતો હતો. પશ્ચિમ એશિયામાં રહેતા અનેક ભારતીયો સાથે તેના સંબંધો હતા. તેણે કહ્યું, ‘ગયા વર્ષે નવેમ્બરમાં મારા મિત્રએ મને યાદવ સાથે વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખાવ્યો હતો. અમે નંબરો શેર કર્યા. અમે સારા મિત્રો બની ગયા.
અપહરણ કરીને પૈસા પડાવવાનો પ્લાન હતો
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વિકાસ પોલીસને જણાવ્યું કે તેના પિતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં કામ કરતા હતા. વર્ષ 2007માં તેમનું અવસાન થયું હતું. યાદવે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. આ કેસમાં તે ફરિયાદીને એક સામાજિક કાર્યક્રમમાં મળ્યો હતો. તેણે તેનું અપહરણ કર્યા બાદ પૈસા કમાવવાની યોજના બનાવી હતી. વિકાસ યાદવનો એક સહયોગી હતો, જે તે સમયે કાર ડીલર હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેને તેના ધંધામાં ઘણું નુકસાન થયું છે. તેથી તેણે યાદવની યોજનાનો ભાગ બનવાનું નક્કી કર્યું. ચાર્જશીટમાં આ બાબતો લખવામાં આવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે વિકાસ યાદવ અને તેના સહયોગી દ્વારા અપહરણ કર્યા બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ગયા વર્ષે 17 ડિસેમ્બરની આ ઘટના છે.