
Land for Job Scam : EDએ રેલ્વેમાં નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં પ્રથમ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવનું નામ પણ આરોપી તરીકે સામેલ છે. તેજસ્વી યાદવ બિહારના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. ED આ મામલાની તપાસ મની લોન્ડરિંગના એંગલથી કરી રહી છે. એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી 100 પાનાની ચાર્જશીટમાં લાલુ અને તેજસ્વી સિવાય 8 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. વિશેષ સરકારી વકીલ મનીષ જૈન અને વકીલ ઈશાન બૈસલાએ કહ્યું કે ચાર્જશીટ સાથે 96 દસ્તાવેજો પણ આપવામાં આવ્યા છે.
હવે ચાર્જશીટના આધારે ચર્ચા શરૂ થશે, જેના માટે વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ 13 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. અગાઉ, એજન્સીએ આ વર્ષે જાન્યુઆરીમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં રાબડી દેવી, મીસા ભારતી, લાલુની બીજી પુત્રી હેમા યાદવ અને અમિત કાત્યાલના નામ સામેલ હતા. એટલું જ નહીં પૂર્વ રેલવે કર્મચારી હૃદયાનંદ ચૌધરીનું નામ પણ ચાર્જશીટમાં હતું. સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ઈડીએ પણ મની લોન્ડરિંગના એંગલથી કેસ હાથ ધર્યો હતો. આરોપ છે કે લાલુ પ્રસાદ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા.
આ સમયગાળા દરમિયાન, ગ્રુપ ડી નોકરીઓ આપવાના બદલામાં લોકો પાસેથી જમીનો પડાવી લેવામાં આવી હતી. આ કેસમાં લાલુ સહિત પરિવારના ઘણા સભ્યો આરોપી છે. જે લોકો પાસેથી નોકરીના બદલામાં જમીન લેવામાં આવી હતી તેમાંથી મોટાભાગના લોકો ગરીબ પરિવારના છે. આ કેસમાં ઈડી ઉપરાંત સીબીઆઈએ લાલુ પરિવારને પણ આરોપી બનાવ્યો છે. જો કે સીબીઆઈના કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે તપાસ દરમિયાન જ તેમની ધરપકડ કરવામાં આવી નથી તો હવે શા માટે કરવામાં આવે. EDએ 11 નવેમ્બર, 2023ના રોજ અમિત કાત્યાલની ધરપકડ કરી હતી અને તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે. કાત્યાલે જામીન અરજી પણ કરી છે, જે હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અરજી ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી છે.
એજન્સીનો દાવો છે કે નોકરીના બદલામાં જમીનનો આખો ખેલ એકે ઈન્ફોસિસ્ટમ્સ અને એબી એક્સપોર્ટ્સના નામે કરવામાં આવ્યો હતો. આ કંપનીઓ લાલુ પરિવારને ફાયદો કરાવવા માટે બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એકે ઇન્ફોસિસ્ટમ્સે રૂ. 1.89 કરોડમાં જમીનના 11 ટુકડા ખરીદ્યા હતા. આ સિવાય આ કંપનીને પાછળથી લાલુ પરિવારના સભ્યોના નામે માત્ર 1 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
