ગુજરાતની એક બેન્ક સામે RBIએ મોટી કાર્યવાહી કરતા દંડ ફટકાર્યો છે. રાજકોટ નાગરીક બેન્કને સૌથી મોટી પેનલ્ટી ફટકારવામાં આવી છે. રિઝર્વ બેન્કે નાગરિક બેન્કને 43.30 લાખની પેનલ્ટી ફટકારી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સહકારી બેન્કના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ગત વર્ષે પણ 13 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વર્ષે ફરી દંડ ફટકારવામાં આવતા સહકારી બેન્કમાં વહીવટ સામે સવાલ ઉભા થયા છે.
રાજકોટ નાગરિક સહકારી બેન્ક સામે કાર્યવાહી
રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા અનેકવિધ અનિયમિતતા, નિયમભંગ બદલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સહકારી બેન્કોના ઇતિહાસમાં સૌથી મોટી 43.30 લાખની પેનલ્ટી ફટકારી છે. RBIના ચીફ જનરલ મેનેજરે જાહેર કરેલી વિગત મુજબ 31-3-2022ના રાજકોટની નાગરિક બેન્કની તપાસ કરવામાં આવી હતી અને તેમાં જે ફાઇન્ડીંગ હતા તેના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે.
શહેરની આ સૌથી મોટી ગણાતી નાગરિક સહકારી બેન્ક દ્વારા બેન્કના ડાયરેક્ટરોના સગાસંબંધીઓની પેઢીઓ કે જેમાં તેઓનું હિત હતું તેમને લોનની ખેરાત કરવા ઉપરાંત કેટલીક સંસ્થાઓના બચત ખાતા ખોલવા પર પ્રતિબંધ મુકવાના આદેશોનો ભંગ કરવા બદલ તથા ડિપોઝીટ ખાતાઓ ચલાવવામાં નિયમભંગ બદલ રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની ક.47એ (1)(સી) તથા તેની સાથે 46(4)1 અને 56 હેઠળ આ પગલુ લેવાયું છે.
બેન્કની તપાસ બાદ નોટિસ ફટરકારીને જવાબ માંગવામાં આવ્યો હતો જેના અધ્યયન બાદ ત્રણ ક્ષતિઓ આચર્યાનું સ્પષ્ટ થયું હતું જેમાં (1) ડાયરેક્ટરોનું હિત સંકળાયેલું હોય તેવી પેઢીને લોન આપવી (2) પાત્રતા નહીં ધરાવનારાના બેન્ક ખાતા ખોલવા અને (3) કેટલાક ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ પેનલ્ટી લેવા અંગે જે અન્વયે આ પગલુ લેવાયું છે.
મહત્ત્વપૂર્ણ છે કે બેન્કને હજુ ગત વર્ષે જ 13 લાખની પેનલ્ટી ફટકારાઇ હતી અને હવે 43.30 લાખની મોટી રકમની પેનલ્ટી ફટકારવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર જાગી છે.