ભારતીય મહિલા અને પુરુષોની ટેબલ ટેનિસ ટીમોએ તેમની છેલ્લી ગ્રુપ મેચોમાં જીત સાથે વર્લ્ડ ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપના નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવ્યું છે. મહિલા ટીમે સ્પેન સામે શાનદાર વાપસી કરી હતી અને મેચ 3-2થી જીતી લીધી હતી. આ સાથે જ મેન્સ ટીમે ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમને સ્પેન સામે આકરી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. શ્રીજા અકુલા અને મનિકા બત્રા તેમની બંને શરૂઆતી મેચો હારી ગયા પછી, આહિકા મુખર્જીએ ભારતને જીત સાથે સ્પર્ધામાં પાછું લાવ્યું. આ પછી શ્રીજા અને મનિકા ચોથી અને પાંચમી મેચ જીતવામાં સફળ રહ્યા હતા.
શ્રીજાનો પ્રારંભિક સિંગલ્સમાં મારિયા જિયાઓ સામે 9-11, 11-9, 11-13, 4-11થી પરાજય થયો હતો. સોફિયા-જુઆન ઝાંગે ભારતની ટોચની ક્રમાંકિત ખેલાડી મનિકા સામે 13-11,6-11,8-11,11-9,11-7થી જીત મેળવીને સ્પેનના સ્કોરને 2-0 પર લઈ લીધો. આયિકાએ ત્રીજા સિંગલ્સમાં એલ્વિરા રેડને 11-8, 11-13, 11-8, 9-11, 11-4થી હરાવીને ભારતને સ્પર્ધામાં જાળવી રાખ્યું હતું. આ પછી મનિકાએ ચોથા સિંગલ્સમાં મારિયાને 11-9, 11-2, 11-4થી હરાવી સ્કોર 2-2 કરી દીધો. શ્રીજાએ નિર્ણાયક મેચમાં ઝાંગ સામે 11-6, 11-13, 11-6, 11-3થી જીત મેળવીને ભારતને સફળતા તરફ દોરી હતી.
ઓલિમ્પિકની ટિકિટ માટે બે જીતની જરૂર છે
ભારત ચાર મેચમાંથી ત્રણ જીત સાથે ગ્રુપ વનમાં બીજા સ્થાને છે. આ ગ્રુપમાં ચીન ટોચના સ્થાને રહ્યું. ગ્રુપ સ્ટેજમાં ભારતની એકમાત્ર હાર ચીન સામે થઈ હતી. ચીન સામે, અહિકા અને શ્રીજાએ વિશ્વના નંબર વન અને નંબર બે ખેલાડી સન યિંગશા અને વાંગ યિદીને અનુક્રમે હરાવ્યા હતા. આ સ્પર્ધામાં 40 ટીમોમાંથી ભારત એ 32 ટીમોમાં સામેલ છે જેણે નોકઆઉટમાં જગ્યા બનાવી છે. સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમો પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે. ઓલિમ્પિકની ટિકિટ માટે ભારતીય મહિલા ટીમે સતત બે જીત નોંધાવવી પડશે.
માનુષે બે ગેમ હાર્યા બાદ પુનરાગમન કર્યું હતું
મેન્સ કેટેગરીમાં ડિફેન્ડિંગ નેશનલ ચેમ્પિયન હરમીત દેસાઈએ ચોઈ ટીમોથીને 11-5, 11-1, 11-6થી હરાવ્યો હતો જ્યારે સાથિયાને ડેલાને 11-3, 11-7, 11-6થી હરાવ્યો હતો. ત્યાર બાદ માનુષ શાહે બે ગેમ ગુમાવ્યા બાદ મેક્સવેલ હેન્ડરસનને 10-12, 6-11, 11-4, 11-8, 11-6થી હરાવ્યો હતો. ભારતીય પુરુષ ટીમ ગ્રુપ-3માં દક્ષિણ કોરિયા અને પોલેન્ડ બાદ ત્રીજા સ્થાને રહી હતી.