
તુર્કિયે (અગાઉનું તુર્કી)માં એક ફેક્ટરીમાં વિસ્ફોટના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ તુર્કીના બાલકેસિર પ્રાંતમાં સ્થિત એક આર્મમેન્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં થયો હતો. બાલ્કેસિરના ગવર્નર ઈસ્માઈલ ઉસ્તોગ્લુએ જણાવ્યું હતું કે વિસ્ફોટ બાલ્કેસિર પ્રાંતના કેરેસી વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં થયો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે ઝેડએસઆર એમ્યુનિશન પ્રોડક્શન નામની કંપનીમાં વિસ્ફોટ થયો હતો. જો કે બ્લાસ્ટનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. વિસ્ફોટની તીવ્રતાને જોતા મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બ્લાસ્ટ બાદ ફેક્ટરીની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. જેમાં અનેક લોકો દટાયા હતા. હાલમાં, તપાસ એજન્સીઓ અકસ્માતની તપાસ કરી રહી છે અને વિસ્ફોટ કેવી રીતે થયો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વિસ્ફોટના કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે તુર્કીના ઉત્તર-પશ્ચિમમાં ફેક્ટરી પર આગ અને ધુમાડાનો ગોળો ઉડી રહ્યો છે. સરકારના સંચાર નિર્દેશાલયે જણાવ્યું હતું કે અગ્નિશામકો અને પેરામેડિક્સને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરી હળવા હથિયારો માટે મ્યુનિશન બનાવવામાં માહેર છે અને 2014થી કામ કરી રહી હતી.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપની સૌથી વધુ અસર તુર્કીના ગાઝિયાંટેપ વિસ્તારમાં જોવા મળી હતી. જ્યાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી જેમાં 45 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપના કારણે તુર્કીને લગભગ 104 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે. તુર્કીમાં જે ભૂકંપ આવ્યો તે તે વર્ષની સૌથી ગંભીર અને વિનાશક આપત્તિ હતી. જેના કારણે તુર્કીની જમીન ત્રણ મીટર ખસી ગઈ હતી.
