અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ ટેરિફ યુદ્ધ ધીમે ધીમે ગંભીર બની રહ્યું છે. ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફની જાહેરાત કરી હતી. આના જવાબમાં, આ ત્રણેય દેશોએ અમેરિકાને જવાબ આપવાનું પણ નક્કી કર્યું છે. અમેરિકા દ્વારા તેના ઉત્પાદનો પર લાદવામાં આવેલા 25% ટેરિફના બદલામાં કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર સમાન ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, ત્યારે મેક્સિકો અને ચીને પણ વ્યૂહરચના બનાવવાનું શરૂ કરી દીધું છે. ચીને તો ત્યાં સુધી કહ્યું છે કે તે આ મામલે અમેરિકા વિરુદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)માં કેસ દાખલ કરશે.
ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત થતી વસ્તુઓ પર 25% અને ચીનથી આવતી વસ્તુઓ પર 10% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ચીને ટ્રમ્પના નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો અને કહ્યું કે આ એકપક્ષીય પગલું WTO નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે અને અમે આ મામલે દાવો દાખલ કરીશું. ચીને કહ્યું છે કે, ‘વેપાર યુદ્ધમાં કોઈ વિજેતા નથી હોતું પરંતુ હવે આપણે આપણા હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા પડશે.’
ચીન પણ ટેરિફ લગાવી શકે છે
ટ્રમ્પે ટેરિફ લાદવાનું એક કારણ એ પણ આપ્યું છે કે દવાઓ આ દેશોમાં બનાવવામાં આવે છે અને અમેરિકા મોકલવામાં આવે છે. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બધી અમેરિકાની સમસ્યા છે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ચીનના નિવેદનોથી સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં તે પણ અમેરિકન ઉત્પાદનો પર આયાત ડ્યુટીની જાહેરાત કરી શકે છે.
જોકે, ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેનો આ વેપાર યુદ્ધ શાંત થશે. મંત્રાલયે કહ્યું છે કે તે ચીનથી આવતા માલ પર 10% ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયનો સખત વિરોધ કરે છે અને અમેરિકાને આ બાબતે ખુલ્લી ચર્ચા કરવા અને સહયોગ મજબૂત કરવા પણ વિનંતી કરે છે.