
ડાયવર્ઝન રૂટ પર ‘નો પાર્કિંગ ઝોન‘ જાહેર, કટોકટીના વાહનોને વિશેષ છૂટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ અમદાવાદમાં ટ્રાફિક ડાયવર્ઝન RTO સર્કલથી ચાંદખેડા જતો માર્ગ ૧૦ જુલાઈથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી બંધ, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર
અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પિલર નિર્માણની કામગીરીને વેગ આપવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ૧૦ જુલાઈ, ૨૦૨૬થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી RTO સર્કલથી ચાંદખેડા તરફ જતો મુખ્ય માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિકને સરળતાથી સંચાલિત કરવા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત માર્ગ પરથી માત્ર સ્થાનિક રહેવાસીઓને તેમના ટુ-વ્હીલર સાથે અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ વાહનચાલકોએ ચિમનભાઈ બ્રિજ સહિતના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. આ વ્યવસ્થા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે અને વાહનચાલકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી અમલમાં મૂકવામાં આવી છે.
ડાયવર્ઝનને કારણે વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે સમગ્ર રૂટને ‘નો પાર્કિંગ ઝોન‘ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈપણ વાહનને રસ્તા પર પાર્ક કરવાની મંજૂરી નહીં હોય અને નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જાેકે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરના વાહનોને પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થવાની વિશેષ છૂટ આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે નાગરિકોને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.




