ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં 5 રન બનાવ્યા બાદ ટીકાનો ભોગ બનેલા વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સદી સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. આટલું જ નહીં વિરાટે શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા.
પર્થમાં બીજી સદી ફટકારી
પર્થમાં વિરાટ કોહલીની આ બીજી સદી છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં 7 સદી ફટકારી છે. આ સાથે તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયામાં 6 સદી ફટકારી હતી.
કોહલીએ લાંબા સમય બાદ ટેસ્ટમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે જુલાઈ 2023માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 30મી સદી છે. મેચમાં 74 રન બનાવીને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં 3500 રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો હતો.
આ વર્ષની પ્રથમ ટેસ્ટ સદી
આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટમાં વિરાટના આંકડા કંઈ ખાસ નહોતા. તેણે માત્ર એક અડધી સદી ફટકારી હતી. વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે 46, 12 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં, વિરાટે બંને દાવમાં 23 (6, 17) રન બનાવ્યા અને બીજી ટેસ્ટમાં તેણે 76 (47, 29*) રન બનાવ્યા.
વિરાટ કીવી ટીમ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો. તે પાછો ફર્યો અને બીજી ઇનિંગમાં 70 રન બનાવ્યા. વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે પુણે ટેસ્ટમાં 18 (1, 17) અને મુંબઈના વાનખેડેમાં 5 (4, 1) રન બનાવ્યા હતા.
100 રન કર્યા બાદ અણનમ રહ્યો
કોહલી 143 બોલમાં 100 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. આ ઇનિંગમાં તેણે 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. વિરાટની સદીની મદદથી ભારતીય ટીમે 487-6ના સ્કોર પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ દાવના આધારે ભારતીય ટીમ પાસે 533 રનની લીડ છે. કોહલી ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ સદી ફટકારી હતી. યશસ્વીએ 297 બોલમાં 161 રનની ઇનિંગ રમી હતી.