ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે 5 વિકેટના નુકસાન પર 86 રન બનાવી લીધા હતા. પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડ પાસે 194 રનની લીડ છે. મેચનો પ્રથમ દિવસ બોલરોના નામે રહ્યો હતો. બંને ટીમના બોલરોએ મળીને 15 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લિશ ટીમ 280 રન સુધી મર્યાદિત રહી
મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લોથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ 280 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હેરી બ્રુકે શાનદાર સદી ફટકારી હતી. તેણે 115 બોલમાં 123 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 11 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જોકે, તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
તેના સિવાય વિકેટકીપર ઓલી પોપે ફિફ્ટી ફટકારી હતી. પોપે 78 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈ ઈંગ્લિશ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો. ક્રિસ વોક્સે 18 રન, ઓપનિંગ બેટ્સમેન જેક ક્રોલીએ 17 રન અને જેકબ બેથેલે 16 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી નાથન સ્મિથે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય વિલિયમ ઓ’રોર્કે 3 અને મેટ હેનરીએ 2 વિકેટ લીધી હતી.
ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી
પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવે છઠ્ઠી ઓવરમાં કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 11 રન બનાવ્યા હતા. કેપ્ટન ટોમ લાથમ 15મી ઓવરમાં બેન સ્ટોક્સના હાથે બોલ્ડ થયો હતો. લાથને 32 બોલમાં 17 રનની ઇનિંગ રમી હતી. આ પછી રચિન રવિન્દ્રએ 10 બોલમાં 3 રન, કેન વિલિયમસને 56 બોલમાં 37 રન અને ડેરીલ મિશેલે 12 બોલમાં 6 રન બનાવ્યા હતા. ટોમ બંડલ 7 રન બનાવીને અણનમ છે અને વિલિયમ ઓ’રૉર્ક ખાતું ખોલાવ્યા વિના અણનમ છે.