
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે આપણી સામે સૌથી મોટો સવાલ છે, ઉદ્યોગીકરણનો. એક ખેતીપ્રધાન સમાજનું ઉદ્યોગીકરણ કઈ રીતે કરવું, કેવી રીતે કરવું? તેને માટે આપણને એકમાત્ર નમૂનો દેખાય છે. યુરોપના દેશોનો. એ બધા દેશોએ અઢારમી ને ઓગણીસમી સદીમાં પોતાના સમાજને ઔધોગિક સમાજમાં જે રીતે પલ્ટી નાંખ્યો,પોતાનો ઔધોગિક વિકાસ જે રીતે કર્યો તે રીતે આપણે પણ આપણો ઔધોગિક વિકાસ કરી નાંખીએ. આ માટે યુરોપના દેશોનો નમૂનો આપણી નજર સામે આવે છે. અને એ જ આદર્શ નમૂનો છે. એમ આપણને લાગે છે.
પરંતુ આ બાબત શાંતિથી વિચારવાની જરૂર છે. શું આ જ એક આદર્શ નમૂનો છે? તે આપણને બંધ બેસતો થાય એવો નમૂનો છે? તે આપણને આજે માફક આવે એવો નમૂનો છે? આ વિશે ગંભીર ચિંતન થવું જોઈએ. આ, જે પરિવર્તન આપણે કરવા માંગીએ છીએ. તે શાંતિથી, સહેલાઈથી, સમાજમાં મોટી ઊથલપાથલ સરજ્યા વિના તેમજ કોઈ પણ જાતની પ્રગટ કે પ્રચ્છન્ન હિંસક અસરો જન્માવ્યા વિના કેવી રીતે થાય તે વિચારવું જોઈએ. બહુ લાંબે ગાળે શું થશે તે તો ન કહી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવી રીતે ઉદ્યોગીકરણ કરવા જતાં વચગાળાના સમયમાં મોટા પ્રમાણમાં બેકારીનો પ્રશ્ન જરૂર ઊભો થાય છે.ઉદ્યોગીકરણને કારણે લોકોના પરંપરાગત ચાલુ કામધંધા ઉપર ભારે અસર થાય છે. તે કામધંધા પડી ભાંગે છે અને લોકો બેકાર બને છે. કામધંધા વિહોણા થઈ
ગયેલા બધા લોકોને નવા ઉદ્યોગો પોતાનામાં સમાવી શકતા નથી. અને તેથી ઘણા લોકોની બેકારીનો બિહામણો પ્રશ્ન ઊભો થાય છે.
ઉપરાંત આજે ચાલતા વિજ્ઞાન ટેકનોલોજીના સંશોધનનું સ્વરૂપ પણ બદલવું પડે. આજે તો એ સંશોધનો માત્ર શહેરોને અને મોટા ઉદ્યોગોને જ ધ્યાનમાં રાખીને ચાલુ છે. તેને બદલે એ સંશોધનો એવા હોવા જોઈએ કે આપણે જે રીતનું નવસંસ્કરણ આજના આપણા ગ્રામીણ અર્થતંત્રનું કરવા માંગીએ છીએ. તેમાં તે આપણને મદદરૂપ થાય.
આવું જ આજની લોકશાહી વ્યવસ્થા અંગે આપણે બીજી કોઈ ચર્ચા કે વિવાદમાં ન પડીએ. માત્ર વ્યવહારની દ્રષ્ટિએ વિચારીએ. લોકશાહી એટલે લોકોની પોતાની શાસનવ્યવસ્થા અને તે પણ સર્વ લોકોની. સ્વાભાવિક રીતે જ આનો અર્થ એવો કે આર્થિક દ્રષ્ટિએ આ વ્યવસ્થા એવી હોય કે જેમાં સર્વ લોકોનો વિકાસ થાય. સર્વ લોકોનું કલ્યાણ થાય.આ જ તો લોકશાહીનો અસલ મર્મ છે. અસલ હેતુ છે. એટલે લોકશાહી વ્યવસ્થામાં એવી આર્થિક વ્યવસ્થા બિલકુલ ન ચાલે જે કોઈ પણ લોકોનું નુકશાન કરતી હોય. ઉદ્યોગીકરણ કરવા જઈએ ત્યારે પણ એટલું બરાબર ધ્યાનમાં રખાય કે તેનાથી કોઈને પણ ખમવું પડે તો ઓછામાં ઓછું ખમવું પડે તથા માનવીય મૂલ્યોને હાનિ ન પહોંચે એ જ તો લોકશાહીનો પાયાનો સિંધ્ધાંત છે.




