
કર્મચારીની થશે પૂછપરછ રામ મંદિર દાન ચોરી મામલે SIT એ SBIની ભૂમિકા સામે ઊઠાવ્યા સવાલ અયોધ્યા પોલીસ હવે SBI ના અધિકારીઓ અને દાન ગણતરી સાથે સંકળાયેલા ખાનગી કર્મચારીઓની પૂછપરછ કરશે અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનની ગણતરીને લઈને એક મોટો ખુલાસો થયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. SIT ના અહેવાલ અનુસાર, બેંકને સોંપવામાં આવેલી જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી, જેને કારણે હવે કાયદાકીય તપાસનો સિકંજાે કસાયો છે. આ મામલે હવે અયોધ્યા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ ટૂંક સમયમાં જ SBI ના એવા અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે જેઓ દાન વ્યવસ્થાપનની પ્રક્રિયા સાથે સીધા જાેડાયેલા હતા. આ ઉપરાંત, બેંક દ્વારા કેશ ગણવા માટે જે બહારના (ખાનગી) કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા, તેમની પણ કડક પૂછપરછ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન ખાસ કરીને એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કે આ બહારના કર્મચારીઓની નિમણૂક કયા આધારે અને કેવી રીતે કરવામાં આવી હતી.
SIT નેી તપાસમાં સામે આવ્યું છે કે રામ મંદિરમાં આવતા દાનની ગણતરી માટે જે MOU અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર(SOP) નક્કી કરવામાં આવ્યા હતા, તે મુજબ SBI ની જવાબદારી માત્ર દાનની રકમ ગણીને કેશ જમા કરવા પૂરતી સીમિત નહોતી. બેંકે આખી ગણતરી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવાની હતી. આ ઉપરાંત, નોટો ગણવાના મશીનો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરવાની અને ગણતરીમાં લાગેલા કર્મચારીઓ પર દેખરેખ રાખવાની જવાબદારી પણ બેંકની જ હતી. સુરક્ષાના નિયમોનો ચુસ્ત અમલ કરાવવાની જવાબદારીમાંથી પણ બેંક પીછેહઠ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેંક પોતાની આ તમામ મહત્ત્વની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી છે. SOP માં નક્કી કરાયેલા સુરક્ષાના કડક ઉપાયો કાં તો લાગુ જ નહોતા કરાયા અથવા તો તેમાં ભારે બેદરકારી દાખવવામાં આવી હતી. નિયમોના આ ઉલ્લંઘનને કારણે દાનની દેખરેખ માટે બનાવવામાં આવેલી ‘ચેક એન્ડ બેલેન્સ‘ સિસ્ટમ સંપૂર્ણપણે નબળી પડી ગઈ હતી, જેના લીધે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારી સામે મોટા સવાલો ઊભા થયા છે. તપાસ ટીમનું માનવું છે કે બેંકની આ ગંભીર બેદરકારી જ તપાસમાં સામે આવેલી ખામીઓનું મુખ્ય કારણ છે.




