
શાહિદ કપૂર સાથેના મતભેદ અંગે અહેમદ ખાને કહ્યું હવે અમે બહુ મળતા નથી નવા મિત્રો મળતા સાચા મિત્રોને ભુલી જવાય છે : અહેમદ ખાન અમારી વચ્ચે થોડા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા, જે બાદમાં ખુલ્લા પડી ગયા : : અહેમદ ખાન
ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર અહેમદ ખાને અભિનેતા શાહિદ કપૂર સાથેના લાંબા સમયથી ચર્ચામાં રહેલા મતભેદ અંગે પ્રથમ વખત ખુલીને વાત કરી છે. અહેમદે સ્વીકાર્યું કે હવે બંને વચ્ચે પહેલાં જેવી મુલાકાતો થતી નથી, પરંતુ ભવિષ્યમાં યોગ્ય સ્ક્રિપ્ટ અને વિચારો મેળ આવે એવું હોય તો સાથે કામ કરવાની શક્યતા યથાવત છે.તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અહેમદ ખાને જણાવ્યું કે તેણે શાહિદના કારકિર્દીના શરૂઆતના મહત્વના પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું હતું. તેણે કહ્યું, “મેં શાહિદના મ્યુઝિક વીડિયો ‘આંખોં મેં તેરા હી ચહેરા’ કર્યાે હતો. ત્યારબાદ તેની પ્રથમ ફિલ્મ ઇશ્ક વિશ્કમાં કોરિયોગ્રાફી કરી. પછી મેં તેને લઈને ફૂલ એન્ડ ફાઇનલનું દિગ્દર્શન કર્યું અને પાઠશાલાનું નિર્માણ પણ કર્યું, જેમાં શાહિદે અભિનય કર્યાે હતો.”અહેમદે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષાેમાં બંનેની કારકિર્દીની દિશા અલગ થઈ ગઈ છે. તેણે કહ્યું, “શાહિદ હાલમાં જે પ્રકારની ફિલ્મો પસંદ કરી રહ્યો છે, તે મારી ફિલ્મોની શૈલીથી અલગ છે. જ્યારે અમારી સર્જનાત્મક વિચારસરણી ફરી એકવાર મેળ ખાતી થશે, ત્યારે ચોક્કસ સાથે કામ કરીશું.” શાહિદ સાથેની મિત્રતા અંગે અહેમદે કહ્યું, “અમે બાળપણના મિત્રો છીએ. હું ૧૧ વર્ષનો હતો અને શાહિદ માત્ર ૭ વર્ષનો હતો ત્યારે અમારી મિત્રતા શરૂ થઈ હતી. એટલે અમારી મિત્રતા ૩૦ વર્ષથી પણ વધુ જૂની છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રી એવી છે કે અહીં સતત નવા મિત્રો બનતા રહે છે અને ક્યારેક માણસ પોતાના સાચા મિત્રો પણ ભુલી જાય છે. હવે અમારી જીવનશૈલી પણ ઘણી બદલાઈ ગઈ છે.”૨૦૧૫માં બંને વચ્ચે મતભેદ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તે સમયે અહેમદે કહ્યું હતું, “અમારી વચ્ચે થોડા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા, જે બાદમાં ખુલ્લા પડી ગયા. હું હોસ્પિટલમાં હતો ત્યારે શાહિદ મને મળવા આવ્યો નહોતો અને મને તેના લગ્નમાં પણ બોલાવવામાં આવ્યો નહોતો. મને લાગે છે કે બધું સામાન્ય થવામાં સમય લાગશે.”અહેમદ ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ના ડિરેક્શનમાં વ્યસ્ત છે. બીજી તરફ, શાહિદ કપૂર તાજેતરમાં ‘કોકટેલ ૨’માં જાેવા મળ્યો હતો.




