
PMLAએ કોર્ટે પાઠવ્યું સમન્સ.શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પાસે ૧૫૦ કરોડના બિટકોઇન હોવાનો દાવો!.ઈડી અનુસાર, ‘ટર્મ શીટ’ સમજૂતી સાબિત કરે છે કે અસલી સોદો રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ વચ્ચે જ થયો હતો.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લેતા, મુંબઈની વિશેષ PMLA કોર્ટે બિટકોઈન પોન્ઝી કૌભાંડમાં શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા અને દુબઈ સ્થિત વેપારી રાજેશ સતીજાને સમન પાઠવ્યા છે. અદાલતે બંને આરોપીઓને ૧૯ જાન્યુઆરીના રોજ હાજર થવા ર્નિદેશ આપ્યો છે.EDએ સપ્ટેમ્બર ૨૦૨૫માં PMLA હેઠળ નોંધાયેલા કેસમાં સ્પેશિયલ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાજ કુન્દ્રા અને રાજેશ સતીજાને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કુખ્યાત ‘ગેન બિટકોઈન પોન્ઝી કૌભાંડ’ના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજે રાજ કુન્દ્રાને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ શરૂ કરવા માટે ૨૮૫ બિટકોઈન આપ્યા હતા.
જાેકે, આ સોદો આગળ વધી શક્યો નહોતો, પણ ED નો દાવો છે કે આ ૨૮૫ બિટકોઈન આજે પણ રાજ કુન્દ્રા પાસે જ છે, જેની હાલની કિંમત ૧૫૦ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કુન્દ્રાએ આ વ્યવહારમાં પોતાની જાતને માત્ર એક મધ્યસ્થી ગણાવ્યા હતા, પરંતુ આ વાત સાબિત કરવા માટે તે કોઈ મજબૂત દસ્તાવેજાે રજૂ કરી શક્યો નથી. ED અનુસાર, ‘ટર્મ શીટ’ સમજૂતી સાબિત કરે છે કે અસલી સોદો રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ વચ્ચે જ થયો હતો, તેથી કુન્દ્રાનો માત્ર ‘મધ્યસ્થી’ હોવાનો દાવો માન્ય નથી. તપાસ એજન્સીએ નોંધ્યું છે કે સાત વર્ષ પછી પણ કુન્દ્રાને પાંચ હપ્તામાં મળેલા બિટકોઈનની ચોક્કસ સંખ્યા યાદ છે, જે સાબિત કરે છે કે તે જ આ વ્યવહારનો અસલી લાભાર્થી છે.વધુમાં, ૨૦૧૮થી અનેક તક મળવા છતાં કુન્દ્રાએ બિટકોઈન ટ્રાન્સફર થયેલા ‘વોલેટ એડ્રેસ’ની વિગતો આપી નથી અને આઈફોન એક્સ ખરાબ હોવાનું બહાનું આપ્યું છે. EDએ આને પુરાવા નષ્ટ કરવાનો અને કાળી કમાણી છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. હાલમાં કોર્ટે સમન પાઠવી બંને આરોપીઓ પાસે જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં ED એ આ મામલે સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતો.




