રશિયાએ યુક્રેન પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM) છોડી છે. યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધમાં પહેલીવાર રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે.
મળતી માહિતી મુજબ રશિયા દ્વારા આજે (21 નવેમ્બર) સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો હતો. એવી આશંકા છે કે રશિયાએ RS-26 રુબેઝ મિસાઈલનો ઉપયોગ કર્યો છે. યુક્રેનની વાયુસેનાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ મિસાઈલ સિવાય કિંજલ હાઈપરસોનિક અને KH-101 ક્રુઝ મિસાઈલથી પણ હુમલો કરવામાં આવ્યો છે.
યુક્રેનની ગુપ્તચરોએ ચેતવણી આપી હતી
નોંધનીય છે કે 20 નવેમ્બરના રોજ યુક્રેનિયન ઇન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે રશિયન સેના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ RS-26 રુબેઝને છોડવાની તૈયારી કરી રહી છે.
તાજેતરમાં, રશિયાએ દાવો કર્યો હતો કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ બે બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલોને તોડી પાડી હતી.
રશિયાએ ડીનીપ્રો શહેરને નિશાન બનાવ્યું હતું
રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેનના શહેર ડીનીપ્રોને નિશાન બનાવ્યું હતું. યુક્રેનિયન વાયુસેનાએ ગુરુવારે ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ રશિયાના આસ્ટ્રાખાન ક્ષેત્રમાંથી છોડવામાં આવી હતી.
હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. આ પછી યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. માનવામાં આવે છે કે રશિયાએ યુક્રેનના હુમલાનો જવાબ આપ્યો છે.