
અમેરિકાના બિઝનેસમેનની ચોંકાવનારી ભવિષ્યવાણી.ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, ચીન-અમેરિકા છોડશે પાછળ.અમેરિકાના બિઝનેસમેન અને સલાહકાર ડેવિડ રુબેનસ્ટીને ભારતના ઈકોનોમીને લઈને મોટો દાવો કર્યો.અમેરિકાની મોટી પ્રાઈવેટ ઈક્વિટી કંપની કાર્લિલ ગ્રુપના કો-ફાઉન્ડર ડેવિડ રુબેનસ્ટીને કહ્યું છે કે, ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને આગામી બે-ત્રણ દાયકામાં દુનિયાની સૌથી મોટી ઈકોનોમી બની શકે છે. તેમણે આ વાત દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી છે.
રુબેનસ્ટીને કહ્યું કે, મને લાગે છે કે આપણા જીવનકાળમાં જ ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. હું કહીશ કે કદાચ ૨૦-૩૦ વર્ષમાં આવું થઈ શકે છે.
ભારત અત્યારે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી છે. ટૂંક સમયમાં જ જર્મનીને પાછળ છોડીને ભારત ત્રીજા નંબરે પહોંચી શકે છે. અત્યારે અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ત્યારબાદ બીજા નંબર ચીન આવે છે. ભારતની ઝડપી પ્રગતિ તેને અમેરિકા અને ચીન બન્નેથી આગળ લઈ જશે. તેમણે ભારતની યુવા વસ્તીના ફાયદા વિશે પણ જણાવ્યું, જે લાંબા ગાળે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
તેમણે ભારતીય નીતિ નિર્માતાઓને કહ્યું કે, ગ્લોબલ પ્રાઈવેટ ક્રેડિટ અને પ્રાઈવેટ ઈક્વિટી (PE)ને પશ્ચિમી રોકાણ તરીકે ન જાેવું જાેઈએ. પ્રાઈવેટ ઈક્વિટીનો અર્થ છે કંપનીઓ એવા ફર્મમાં રૂપિયા રોકે છે જે હજુ શેરબજારમાં લિસ્ટેડ નથી. પ્રાઈવેટ ક્રેડિટનો અર્થ છે કંપનીઓ સીધુ દેવું આપે છે, બેન્ક દ્વારા નહીં.
રુબેનસ્ટીને કહ્યું કે, જાે આ બજારોને વધવા દેવામાં આવે, તો સારી મૂડી ધરાવતા ભારતીય સાહસિકો ભારતમાં આવશે અને ઘણા લોકો ભારતમાં રહીને જ કામ કરશે. આ ગ્રુપે ભારતના વિવિધ સેક્ટરમાં ૮ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.
રુબેનસ્ટીને જણાવ્યું કે, અમેરિકા અને ભારતના સંબંધોને લઈને કોઈ ચિંતા નથી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામાન્ય રીતે ભારત સાથેના સંબંધોને લઈને ખૂબ જ સકારાત્મક રહ્યા છે. તેમણે પોતાના એક ખૂબ જ નજીકના સહયોગીને રાજદૂત બનાવીને ભારત મોકલ્યા છે.
રુબેનસ્ટીને કહ્યું કે, ટ્રમ્પની ચીન નીતિનો હેતુ ચીનને નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ વેપારમાં રહેલી અસમાનતાને સુધારવાનો હતો. ચીને અન્ય બજારોમાં વધુ વેચાણ કરીને પોતાનું વાર્ષિક સરપ્લસ એક ટ્રિલિયન ડોલરથી વધુ કરી દીધું છે. જાે કે, ટ્રમ્પ માટે ચીન એટલો મોટો મુદ્દો નથી જેટલો રશિયા-યુક્રેનનો મામલો છે. તેમણે એમ પણ કહ્યું કે, ટ્રમ્પને લાગે છે કે તેમના અને શી જિનપિંગ વચ્ચે સારા સંબંધો છે અને તેઓ આ વર્ષે ઓછામાં ઓછા બે વાર મળશે, કદાચ કોઈ સમજૂતી પણ થઈ શકે છે.




