
૬ દેશોમાં શાસન કરવું મુશ્કેલ. અમેરિકાએ સહાય બંધ કરતા લાખો લોકો સામે ભૂખમરાંનું સંકટ. ડબ્લ્યુએફપીને ચાલુ વર્ષે અમેરિકા પાસેથી ૧.૫ અબજ ડોલર મળવાની આશા છે ગયા વર્ષે આ રકમ લગભગ ૪.૫ અબજ ડોલર હતી. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય સહાયતા એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે તેમના ટોચના દાનકર્તાઓ દ્વારા દાન-સહાયની રકમમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવતા છ દેશોમાં તેમના કામકાજ પર વિપરિત અસર પડી રહી છે અને ચેતવણી આપી છે કે લગભગ ૧.૪ કરોડ લોકો ઇમરજન્સી સ્તરે ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જે પારંપરિક રીતે સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી રકમ પ્રાપ્ત કરનારી એજન્સી છે. આ એજન્સીએ પોતાના નવા રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે તેના ભંંડોળની સ્થિતિ પ્રથમ વખત ખૂબ જ પડકારજનક રહી છે. જેનું મુખ્ય કારણ ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ અમેરિકા અને અન્ય પ્રમુખ પશ્ચિમી દાનકર્તાઓ દ્વારા ખર્ચમાં ઘટાડો છે. એજન્સીએ ચેતવણી આપી છે કે દાનની રકમમાં ઘટાડાને કારણે તેના ૧.૩૭ કરોડ ખાદ્ય સહાયતા પ્રાપ્તકર્તા ઇમરજન્સી સ્તરના ભૂખમરાનો સામનો કરી શકે છે. એજન્સીએ જણાવ્યું છે કે જે છ દેશોમાં કામકાજ પર વિપરિત અસર પડી રહી છે તેમાં અફઘાનિસ્તાન, કાંગો, હેતી, સોમાલિયા, દક્ષિણ સુદાન અને સુદાનનો સમાવેશ થાય છે. ડબ્લ્યુએફપીએ જણાવ્યું છે કે તેને ચાલુ વર્ષે ૪૦ ટકા ઓછું દાન મળવાની શક્યતા છે. જેના કારણે અંદાજિત બજેટ ૬.૪ અબજ ડોલર રહી જશે. ગયા વર્ષે તેને લગભગ ૧૦ અબજ ડોલર મળ્યા હતાં. વૈશ્વિક
ભૂખમરો અગાઉથી જ રેકોર્ડ સ્તરે છે. ૩૧.૯ કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યાં છે. ગાઝા અને સુદાનમાં દુકાળ પડયો છે. એજન્સીએ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહેલા લોકો પૈકી ૧૦ ટકાથી પણ ઓછા લોકો સુધી ખાદ્ય સહાયતા પહોંચી રહી છે. જેના કારણે આવા લોકોને ખબર નથી કે તેમને આગામી ભોજન ક્યાથી મળશે. ડબ્લ્યુએફપીને ચાલુ વર્ષે અમેરિકા પાસેથી ૧.૫ અબજ ડોલર મળવાની આશા છે ગયા વર્ષે આ રકમ લગભગ ૪.૫ અબજ ડોલર હતી.
