
૪૦૦ કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત.ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ.આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારના એસેન્સ અને કલર ભેળવીને તેને આબેહૂબ ગાયના શુદ્ધ ઘી જેવું સ્વરૂપ આપવામાં આવતું હતું.અમદાવાદ શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદમાં ગાયના શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને અંદાજે ૪૦૦ કિલો નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન અંદાજે ૧ લાખ ૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હતા. આ નકલી ઘી બનાવવા માટે કોઈ પશુના દૂધનો નહીં, પરંતુ પામોલિન તેલ અને વેજિટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારના એસેન્સ અને કલર ભેળવીને તેને આબેહૂબ ગાયના શુદ્ધ ઘી જેવું સ્વરૂપ આપવામાં આવતું હતું, જેને બજારમાં ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું.આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આગામી સમયમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો અને તે ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તહેવારોના સમયે કે સામાન્ય દિવસોમાં ઘી ખરીદતી વખતે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.



