
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં ૮ નવેમ્બર,૨૦૧૬ ના દિવસે નોટબંધીની જાહેરાત થઈ હતી. અને અચાનક થયેલ નોટબંધીના કારણે કેટલાય લોકો સમય મર્યાદામાં રૂપિયા ૫૦૦ ની જૂની નોટો પણ બદલાવી નહીં શકેલા ત્યારે એવા જ સમય મર્યાદાના ભાગ રૂપે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ને આદેશ આપ્યો છે કે નોટબંધીની જાહેરાત પછી પોલીસે જપ્ત કરેલી બે લાખની જૂની ૫૦૦ રૂપિયાની ચલણી નોટો બદલી આપવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે ભૂલ અરજદારની નથી એની સજા તેને ન મળી શકે. જ્યારે અચાનક ૨૦૧૬ ની ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરાઈ હતી. ત્યારે અરજદાર ગિરીશ માલાણી
૨૦૧૬ની પહેલી ડિસેમ્બરે બે લાખ રૂપિયાની કેશ લઈને મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે પોલીસ-પેટ્રોલિંગ ટીમે સાવચેતીના ભાગરૂપે એ રૂપિયા જપ્ત કર્યા હતા. ત્યાર બાદ ઇન્કમ ટેક્ષ વિભાગે તપાસમા આ નાણાં કાયદેસરના હોવાનું સ્વીકાર્યું હતું.
જોકે કાયદાકીય પ્રક્રિયાને કારણે આ રકમ અરજદારને ૨૦૧૬ની ૩૧ ડિસેમ્બરે પાછી મળી હતી. એ સમયગાળા દરમ્યાન જૂની નોટો જમા કરાવવાની અંતિમ તારીખ વીતી ગઈ હોવાથી RBI એ નોટો બદલી આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ ઉર્મિલા જોષી ફાળકે અને નિવેદિતા મહેતાની ખંડપીઠે જણાવ્યુ હતું કે ચલણી નોટો પોલીસ કસ્ટડીમા હોવાથી અરજદાર પાસે એને જમા કરાવવાનો કોઈ વિકલ્પ મળ્યો ન હોતો. કોર્ટે RBIની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે નોટોના સિરિયલ નંબર નોંધવામાં આવ્યા ન હોતા. કોર્ટે ટાંકયું હતું કે કાયદાકીય વિલંબને કારણે અરજદારે નુકશાન વેઠવું પડે એ યોગ્ય નથી.
હાઈકોર્ટે ગિરીશ માલાણીને એક સપ્તાહની અંદર જૂની નોટો RBI મા જમા કરાવવા જણાવ્યુ છે. અને રિઝર્વ બેન્કને ૭ અઠવાડીયામા એની ચકાસણી કરીને એટલી જ રકમનું કાયદેસરનું ચલણ આપવાનો આદેશ આપ્યો છે.



