
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી દેશમાં ચાલી રહેલા ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે “અચ્છે દિન”નું સપનું બતાવીને લોકશાહીનો સૌથી કાળો દિવસ બતાવી દીધો. આજે જ્યારે દેશનો યુવા સારી શિક્ષણ વ્યવસ્થાની માંગ સાથે રસ્તા પર ઉતર્યો છે, તો તેનું સ્વાગત સંવાદથી કરવાનું હતું, લાઠીથી નહીં. આજે જ્યારે દેશનો યુવાન પોતાના સારા ભવિષ્ય માટેની વાત કરી રહ્યો છે, તો એવા સમયમાં તેના પર લાઠીઓ ન વરસાવી જોઈએ. આજે દેશની દીકરીઓ સારી શિક્ષણ વ્યવસ્થા અને પોતાના અધિકાર માટે જ્યારે લડી રહી છે તો એ દીકરીઓને ઢસડવી ન જોઈએ, તેમને માર મારવો ન જોઈએ.
વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ડૉ. કરન બારોટે જણાવી હતું કે, હું સરકારને પૂછવા માગું છું કે શું સારી શિક્ષણની માંગ કરવી એ કોઈ મોટો ગુનો છે? શું પોતાના ભવિષ્ય માટે રોડ પર ઉતરવું એ કોઈ ગુનો છે? જો કોઈ ગુનો નથી તો પછી આ યુવાનો પર આટલો બળપ્રયોગ શા માટે કરવામાં આવ્યો? હું સરકારને કહેવા માગું છું કે વિદ્યાર્થીઓ અને યુવાનો દેશના સારા ભવિષ્ય માટે સંઘર્ષ કરશે પણ લોકશાહીના રસ્તા પર ચાલીને. વિદ્યાર્થીઓ અને યુવાનો આ દેશ માટે પોતાનો અવાજ બુલંદ કરશે અને એ પણ લોકતાંત્રિક મૂલ્યોની સાથે. દેશના યુવાનોનો ઉદ્દેશ સરકાર સાથે ટકરાવ પેદા કરવાનું નથી, અમારો ઉદ્દેશ છે સારી શિક્ષા વ્યવસ્થા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને યુવાનો માટે સારું ભવિષ્ય.




