
ઓનલાઈન એપ સામે આંદોલન ૭મીથી ચાર દિવસ રિક્ષા-ટેક્સીના પૈડા થંભી જશે ઓલા, ઉબર, રેપિડો અને ગેરકાયદે વાહનો સામે ૧૨ સંગઠનોનું ચાર દિવસીય હડતાળનું એલાન અમદાવાદ શહેરમાં ઓનલાઈન ટેક્સી અને રિક્ષા બુકિંગ એપ્લિકેશન્સ સામે રિક્ષા તેમજ ટેક્સી ચાલકોએ મોરચો માંડ્યો છે. ‘રોજગાર બચાવો આંદોલન’ના બેનર હેઠળ શહેરના વિવિધ ૧૨ જેટલા રિક્ષા અને ટેક્સી ચાલક યુનિયનોએ એકઠા થઈને આગામી ૭ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી ચાર દિવસ માટે તમામ રિક્ષા અને ટેક્સી સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે. રિક્ષા ચાલક એસો. દ્વારા આ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી હવે હડતાળનું હથિયાર ઉગામ્યું છે. ઓનલાઈન એપ્લિકેશન્સ દ્વારા થઈ રહેલા કથિત શોષણ અને ગેરરીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે તમામ રિક્ષા અને ટેક્સી ચાલકો પોતાના વાહનો પાછળ વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવશે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્લિકેશન્સ દ્વારા રિક્ષા ડ્રાઈવરોનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાનો અને ખાનગી ટુ-વ્હીલર વાહનોને ગેરકાયદેસર રીતે પેસેન્જર સર્વિસ માટે દોડાવવામાં આવતા હોવાનો યુનિયનોનો મુખ્ય આક્ષેપ છે.રોજગાર બચાવો આંદોલનના કન્વિનર અને યુનિયન આગેવાનોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, આ ઓનલાઈન કંપનીઓ કોઈ પણ ડર વગર ગેરકાયદેસર ટુ-વ્હીલર સર્વિસ ચલાવી રહી છે. આ પરિસ્થિતિને કારણે પરંપરાગત રિક્ષા અને ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે ચાર દિવસીય બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે અને ચાલકો પોતાના વાહનો રોડ પર ઉતારશે નહીં. અમે કાયદા અને નિયમોની મર્યાદામાં રહીને અમારી વાજબી માગણીઓ રજૂ કરી રહ્યા છીએ. જાે આ બંધ દરમિયાન કોઈ અસમાજિક તત્વો કે વ્યક્તિઓ કાયદાનો ભંગ કરશે અથવા ગેરરીતિ આચરશે, તો તેને અમારા સંગઠન કે આંદોલનનો કોઈ જ સહયોગ કે સમર્થન રહેશે નહીં. આ ચાર દિવસીય હડતાળને અમદાવાદના તમામ પ્રમુખ યુનિયનોએ સમર્થન આપ્યું છે. જેમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન, નવયુગ ઓટો રિક્ષા ડ્રાઇવર એસોસિએશન, ઓટો ડ્રાઈવર એકતા સમિતિ, ધ ઓલ ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઈવર્સ યુનિયન, અમદાવાદ રેલ્વે સ્ટેશન ઓટો ડ્રાઈવર્સ યુનિયન, અમદાવાદ રિક્ષા ડ્રાઈવર સુરક્ષા સમિતિ, લડત સમિતિ યુનિયન, સ્માર્ટ સિટી ઓટો ડ્રાઇવર યુનિયન, ડ્રાઇવર સેવા ટ્રસ્ટ અને અમદાવાદ ટેક્ષી ડ્રાઈવર્સ યુનિયન દ્વારા સમર્થન અપાયું છે. ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સીઓના ચક્કાજામથી અમદાવાદ શહેરમાં મુસાફરો અને દૈનિક અપ-ડાઉન કરતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.




