
સ્થાનિકોમાં ભયનો માહોલ બોડેલીના જબુગામમાં રેલવે નાળા પાસે ઈંટના ભઠ્ઠામાં દેખાયો દીપડો રહેણાક વિસ્તાર અને ઈંટના ભઠ્ઠાની સાવ નજીક દીપડો દેખાતાં સ્થાનિક મજૂરો અને ગ્રામજનો પોતાના રક્ષણને લઈને ભારે ચિંતિત બન્યા છે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અવારનવાર વન્યજીવોના ગામ તરફ મુકામ કરવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર જબુગામ ખાતે દીપડો નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જબુગામમાં આવેલ રહેણાક વિસ્તારની બિલકુલ નજીક અને રેલવે નાળા પાસે ચાલતા ઈંટના ભઠ્ઠામાં રાત્રિના સમયે અચાનક દીપડો આવી પહોંચતાં ત્યાં કામ કરતા મજૂરો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.મળતી માહિતી અનુસાર, જબુગામ રેલવે નાળા પાસે આવેલા ઈંટના ભઠ્ઠામાં શ્રમિકો રાત્રિના સમયે પોતાનું રોજીંદું કામકાજ કરી રહ્યા હતા અને પોતાની આજીવિકા મેળવવા માટે ત્યાં જ રોકાયેલા હતા. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક દીપડો ભઠ્ઠાની બિલકુલ નજીક આવી પહોંચ્યો હતો. મજૂરોની નજર દીપડા પર પડતાં જ તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તેમણે તુરંત બૂમાબૂમ કરી મૂકી હતી.મજૂરોના અવાજ અને બૂમો સાંભળીને આસપાસના રહેણાક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગામલોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોનો મોટો જમાવડો અને શોરબકોર જાેઈને દીપડો ત્યાંથી અંધારામાં સીમ વિસ્તાર તરફ ભાગી છૂટ્યો હતો. સદનસીબે દીપડાએ કોઈ મજૂર કે પશુ પર હુમલો કર્યાે ન હોવાથી મોટી હોનારત ટળી હતી અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.રહેણાક વિસ્તાર અને ઈંટના ભઠ્ઠાની સાવ નજીક દીપડો દેખાતાં સ્થાનિક મજૂરો અને ગ્રામજનો પોતાના રક્ષણને લઈને ભારે ચિંતિત બન્યા છે. જબુગામ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના સમયે બહાર નીકળવું પણ જાેખમી બન્યું છે. સ્થાનિક નાગરિકોએ વન વિભાગને અપીલ કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું ગોઠવીને દીપડાને પૂરી લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને..




