
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
સુરત ની નવી સિવિલ હોસ્પિટલ ના આશાસ્પદ યુવાન ડો. હર્ષ પંડ્યા એ રેગિંગ નો ભોગ બન્યા પછી કરેલી આત્મહત્યાની ઘટનાનો પડઘો હજુ શમ્યો નથી ત્યાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તાર માં આવેલી સરદાર પટેલ સ્કૂલ નજીકની માધવ બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષના ધોરણ-૯ ના વિદ્યાર્થી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવતા ફરી વાલીઓમા ગભરાટ ફેલાયો છે.
ભોગ બનનાર વિદ્યાર્થીના વાલી દ્વારા કરાયેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ ફરિયાદી નો ૧૪ વર્ષનો પુત્ર ધોરણ ૯ માં ભણે છે. અને માધવ બોયઝ હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલ માં તેની સાથે રૂમ માં રહેતા અને નીટની તૈયારી કરતા સિનિયર વિદ્યાર્થીઓ અવારનવાર ૧૪ વર્ષના વિદ્યાર્થી પાસે પોતાના કામો કરાવતા હતા. જો તે કામ કરવાની ના પાડે તો તેને ગાળો આપી, ઢીકક મુક્કાનો માર મારતા અને બાથરૂમમાં પૂરી દેતા હતા. એટલું જ નહીં, આરોપી વિદ્યાર્થીઓ તેને બળજબરીથી સિગારેટ પીવડાવતા હતા અને જો કોઈને આ અંગે જાણ કરશે તો તું સિગારેટ પીવે છે તેવું બધાને કહી દઈશું તેમ કહી બ્લેકમેલ કરતા હતા. ઉપરાંત મુખ્ય લીડર કહેવાતા વિદ્યાર્થીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એ સાથે હોસ્ટેલની દેખરેખ રાખતા અંકુર અને જીગર નામની વ્યક્તિઓ પણ તેને હેરાન કરતા હતા અને ૧૪ વર્ષીય વિદ્યાર્થીનો સિગારેટ પીતો વિડીયો ઉતારી લીધો હતો.
આ બાબતની જાણ ભોગ બનનાર વિદ્યાર્થીએ ઘરે કરતાં એના પિતાએ હોસ્ટેલના માલિક નિલેશભાઈ આહીર પાસે સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા અને સીસીટીવી માં સિનિયર વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પાસે મસાજ કરાવતા, માથામાં તેલ નંખાવતા, માર મારતા અને બાથરૂમ માં પૂરી દેતા સ્પષ્ટ નજરે પડ્યા હતા.
આ ઘટનાની ગંભીર નોંધ લઇ ને નીલમબાગ પોલીસે ફરિયાદી ની ફરિયાદના આધારે સિનિયર વિદ્યાર્થીઓ તથા હોસ્ટેલના અંકુર અને જીગર સામે બીએનએસની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), પ૪ મુજબ ગુનો નોંધી ને ૪ સિનિયર વિધાર્થીઓ અને સંચાલકોની સાથે સાથે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




