
બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું. હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રી ફક્ત નામ પૂરતી : ફિલ્મોનું ટાઈટલ, ક્રેડિટ લિસ્ટમાં હિંદી નહિ: સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં લખાય છેબોલીવૂડ એટલે હિંદી સિને ઉદ્યોગ એવો અર્થ કાઢવામાં આવે છે પરંતુ વાસ્તવમાં બોલીવૂડમાંથી હાલ હિંદીનો સાવ છેદ ઉડી ગયો છે. એકટ્રેસ હુમા કુરેશીએ કરેલા ઘટસ્ફોટ મુજબ બોલીવૂડમાં અડધો અડધ કલાકારો, ફિલ્મ દિગ્દર્શકો તથા અન્ય ક્રૂને હિંદી બોલતાં, લખતાં કે વાંચતાં આવડતું જ નથી.
હુમાના જણાવ્યા અનુસાર તેમને સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં જ મળે છે. હિંદી સંવાદો પણ અંગ્રેજી લિપિમાં લખાયેલા અપાય છે. ફિલ્મના સેટ પર કલાકારો અને ટેકનિશિયન્સ વચ્ચે ભાગ્યે જ હિંદીમાં વાતચીત થાય છે.
હુમાના જણાવ્યા અનુસાર હિંદી ભાષી પ્રેક્ષકો માટે ફિલ્મો બનાવતા લોકો પણ અંગ્રેજીથી અંજાયેલા છે અને બોલીવૂડની જાણે કે સત્તાવાર ભાષા જ અંગ્રેજી બની ગઈ છે. જાેેકે, વક્રતા એ છે કે તેમાંથી મોટાભાગના લોકોને સારું અંગ્રેજી પણ આવડતું નથી. આથી બહુ મોટાપાયે કમ્યુનિકેશન ગેપ રહી જાય છે અને તેની અસર ફિલ્મો પર પણ વર્તાય છે. હિંદી ફિલ્મો હાલ તળ હિંદીભાષી પ્રેક્ષકો સાથે તાદાત્મ્ય નથી સાધી શકતી તેનું આ એક બહુ મોટું કારણ છે. ભૂતકાળમાં ફિલ્મોનાં પોસ્ટર પર હિંદીમાં ટાઈટલ અચૂક લખાતું હતું. કેટલીય ફિલ્મોમાં ક્રેડિટ લાઈન પણ હિંદીમાંં અપાતી હતી. હવે એ બધું ગાયબ થઈ ચૂક્યું છે. અગાઉ નવાઝુદ્દિન સિદ્દિકીએ પણ એક વાતચીતમાં ફરિયાદ કરી હતી કે આજકાલ કાસ્ટિંગ પણ કલાકાર અંગ્રેજી બરાબર જાણે છે કે નહિ એ લાયકાતના આધારે થાય છે. તેના કારણે નાના શહેરોમાંથી આવતા ઉમદા કલાકારોને કામ મળતું નથી.




