
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવા બદલ વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરી દેવાતા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મહિલા કાર્યકરોએ સુરતમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટફિક્સ કચરાના ઢગલા કર્યા હતા અને પ્રશ્નો ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી સુરત વોર્ડ નં. 17ના કોર્પોરેટર અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે જ્યાં જુઓ ત્યાં હોટફિક્સના કચરાના પહાડો બની ગયા છે. સુરત મહાનગરપાલિકા પાસે આ કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. શહેરમાં આવેલા સેમી-ઔદ્યોગિક એકમો અને હોટફિક્સના જેટલા કારખાના છે, એના કચરાની યોગ્ય વ્યવસ્થા ન થતાં લોકો પોતાનો કચરો ગમે ત્યાં રસ્તા પર વારંવાર ઠાલવી રહ્યા છે. મહાનગરપાલિકાની સદનમાં જ્યારે અમે આ બાબતે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, તો અમારા કોર્પોરેટરને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા. અમને સસ્પેન્ડ કરી દેવાથી કચરાના ઢગલાનો નિકાલ નહીં થાય કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે, એના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. અમે મેયરને આ વિનંતી કરવા અને અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ.
ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યુ હતુ કે મેયરની સોસાયટીની આસપાસની ગલીઓ સાફ હોવાથી આખું સુરત સાફ થઈ જતું નથી. એના માટે સુરતમાં આંટો મારવા નીકળવું પડે, એસી ગાડી અને એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને ગલીઓમાં જવું પડે. આજે મેયરના પોતાના વોર્ડની અને આજુબાજુના વોર્ડની હાલત નરક સમાન થઈ ગઈ છે. સામાન્ય લોકો અમને કહે છે કે તેઓ લેખિત ફરિયાદો કરી કરીને થાક્યા છે પણ કોઈ જવાબ નથી આપતું, ના આરોગ્ય સમિતિના ચેરમેન, ના મેયરશ્રી, ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ના કમિશનર કે ના તો આરોગ્ય અધિકારી! એટલે અમે મેયરના ઘર પાસે કચરો ઠાલવીને અલ્ટિમેટમ આપીએ છીએ કે જો 10 દિવસની અંદર આ કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરાય, તો સુરતમાં જ રહેતા રાજ્યના આરોગ્ય મંત્રીની ઓફિસ અને ઘર આગળ પણ આમ આદમી પાર્ટી કચરાના ઢગલા કરીને વિરોધ પ્રદર્શન કરશે.
આ મુદ્દે ’આપ’ કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં પ્રજાની સમસ્યાઓ ઉઠાવવા બદલ અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો 10 દિવસની અંદર હોટફિક્સ કચરાનો એકત્રીકરણ અને કાયમી નિકાલ કરવામાં નહીં આવે, તો આરોગ્ય મંત્રીના ઘરે પણ કચરો ઠાલવવાની અમારી પૂરી તૈયારી છે. મનપાના મેયર આ કચરામાંથી શહેરને બહાર કાઢે અને હોટફિક્સ કચરાનું કાયમી નિરાકરણ લાવે તેવી અમારી વિનંતી છે.




