
વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ, ગુજરાત વિધાનસભામાં જૂનાગઢ જિલ્લાનો એક અત્યંત મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખાસ કરીને વિસાવદર અને ભેસાણ તાલુકાની બાબતે તારાંકિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સમયના અભાવે આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા વિધાનસભામાં થઈ શકી નહોતી, પરંતુ સરકારે આપેલા જવાબના આધારે હું રાજકીય વિશ્લેષણ કરીને ગુજરાતની જનતા સુધી સંદેશ પહોંચાડવા માંગું છું. તેમણે જણાવ્યું કે અનેક સહકારી મંડળીઓ દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. સહકારી મંડળીઓમાં કેટલાક કિસ્સાઓમાં એવા ખેડુતોના નામે પણ લોન લેવામાં આવી છે જેમણે અરજી પણ કરી નથી. તેમજ, કેટલાક ખેડુતો લોનના પૈસા જમા કરાવવા જાય ત્યારે યોગ્ય પ્રક્રિયા વિના કેશ લેવામાં આવે છે અને સાત-બારના દાખલામાં યોગ્ય નોંધ કરવામાં આવતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આવી ઘટનાઓ બનવાનું મુખ્ય કારણ એ છે કે લાંબા સમયથી સહકારી મંડળીઓનું ઓડિટ કરવામાં આવતું નથી. ઓડિટ ન થવાને કારણે લાંબા સમયથી થતા ભ્રષ્ટાચાર અને કૌભાંડો જનતા સુધી પહોંચતા નથી.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતુ કે દુઃખ સાથે કહેવું પડે છે કે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં એક વર્ષથી વધુ સમયથી ઓડિટ ન થયેલી ૧૪ મંડળીઓ છે અને બે વર્ષથી વધુ સમયથી ઓડિટ બાકી હોય તેવી ૧૧ મંડળીઓ છે. વિસાવદર વિસ્તારમાં ઓડિટ બાકી હોય તેવી મંડળીઓની સંખ્યા ૧૦૭ છે. તેમના મતવિસ્તારમાં અંદાજે ૩૯૦ મંડળીઓનું ઓડિટ થયું નથી. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૫૭૭ સહકારી મંડળીઓ એવી છે કે જેનુ ઓડિટ થયું નથી. ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ મંડળીઓમાં જો કૌભાંડો થયા હોય તો તે બહાર ક્યારે આવશે? કારણ કે ઓડિટ થાય ત્યારે જ સત્ય બહાર આવે છે. ઓડિટ કેમ કરવામાં આવતું નથી, તેનો જવાબ એ છે કે ઓડિટ થશે તો ભ્રષ્ટાચાર બહાર આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલીક મંડળીઓ ઓડિટર સમક્ષ દસ્તાવેજો રજૂ કરતી નથી, જેના કારણે ઓડિટ પ્રક્રિયા અધૂરી રહી જાય છે. આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જનતાને મારી વિનંતી છે સરકાર તો ઓડિટ નહીં જ કરે કેમ કે સરકારનું આ ચોરોને સમર્થન છે. જનતાને વિનંતી છે કે તાલુકા જિલ્લા – પંચાયતની ચૂંટણી આવી રહી છે, બરાબર ઓડિટ કરો અને આ ભાજપને ઓડિટ કરીને કાઢો અને તમારી પોતાની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લઇ આવો.




