
સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા ગંભીર ગુનાઓના આરોપીઓને રાહત નહીં, અન્ય કેસોમાં રાજ્યો કાર્યવાહી અંગે ર્નિણય લઈ શકશે સામાન્ય આરોપો અથવા વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત હળવા ગુનાઓના કેસોમાં દરેક મામલાની પરિસ્થિતિને આધારે ર્નિણય લેવામાં આવી શકે છે વિરોધ પ્રદર્શન દરમિયાન નોંધાયેલા ગુનાઓ સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના આદેશમાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે ગંભીર અને જઘન્ય ગુનાઓના આરોપીઓને કોઈ રાહત આપવામાં આવશે નહીં, જ્યારે અન્ય કેસોમાં રાજ્ય સરકારો કાયદા મુજબ કાર્યવાહી ચાલુ રાખવા કે પાછી ખેંચવાનો ર્નિણય લેવા માટે સ્વતંત્ર રહેશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે અગાઉના આદેશમાં ઉપયોગમાં લેવાયેલો “ગુનાહિત પૃષ્ઠભૂમિ” શબ્દપ્રયોગ માત્ર હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓના આરોપીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. સામાન્ય આરોપો અથવા વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત હળવા ગુનાઓના કેસોમાં દરેક મામલાની પરિસ્થિતિને આધારે ર્નિણય લેવામાં આવી શકે છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલે જણાવ્યું કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવશે નહીં.
તેમણે કોર્ટને જણાવ્યું કે આવા આરોપીઓની અલગ યાદી તૈયાર કરવામાં આવી છે અને સરકાર અગાઉ આપેલા વચન મુજબ કાર્યવાહી કરી રહી છે.
સુનાવણી દરમિયાન અરજદારો તરફથી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી, બળપ્રયોગ, દેખરેખની પદ્ધતિ અને અન્ય મુદ્દાઓ અંગે પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાક વકીલોએ પોલીસની કાર્યવાહી અંગે સ્વતંત્ર તપાસની માંગ કરી હતી તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી સોગંદનામા માંગવાની પણ રજૂઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારોને જરૂરી સોગંદનામા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ કેટલાક મુદ્દાઓ, જેમાં પોલીસ કાર્યવાહી અને અન્ય વહીવટી ર્નિણયોનો પણ સમાવેશ થાય છે, તેના અંગે વિગતવાર જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મામલાની આગામી સુનાવણી ૧૯ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. તે સમયે કોર્ટ કેન્દ્ર અને રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાં, કેસો અંગેની સ્થિતિ તેમજ રજૂ કરાયેલા સોગંદનામાની સમીક્ષા કરશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ગંભીર ગુનાઓ અને સામાન્ય વિરોધ સંબંધિત કેસો વચ્ચે સ્પષ્ટ ભેદ રાખીને કાયદા મુજબ ર્નિણય લેવામાં આવશે.




