
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાન પંચાયતી રાજ એક્ટ, 1994ની કલમ 19 તથા રાજસ્થાન મ્યુનિસિપાલટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની બે સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતા જોગવાઈ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. આ હેતુસર રાજ્ય વિધાનસભામાં પંચાયતી રાજ બિલ 2026 અને રાજસ્થાન મ્યુનિસિપલ (એમેન્ડમેન્ટ) એક્ટ 2026 રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણય લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવતો અને વ્યાપક જનભાગીદારીને પ્રોત્સાહન આપતો નિર્ણય છે. ગુજરાત રાજ્યમાં પણ પંચાયતી રાજ તથા નગરપાલિકા કાયદાઓ હેઠળ બે કરતાં વધુ સંતાન ધરાવતા નાગરિકોને ચૂંટણી લડવા અયોગ્ય ગણાવતી જોગવાઈ અમલમાં છે. આ જોગવાઈ ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા પછાત વર્ગો માટે અડચણરૂપ બને છે અને લોકશાહી પ્રતિનિધિત્વને મર્યાદિત કરે છે.
વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિશેષ નોંધનીય છે કે રાજસ્થાન અને ગુજરાત બંનેમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની જ છે. જો રાજસ્થાનમાં જોગવાઈ લોકહિતમાં રદ કરી શકાય તો ગુજરાતમાં પણ એ દિશામાં પગલું કેમ ન લેવાય? લોકશાહી સિદ્ધાંતો રાજ્ય પ્રમાણે બદલાતા ન હોવા જોઈએ. ગુજરાતમાં એવા ઘણા સેવાભાવી વ્યક્તિઓ છે જેમને તક મળે તો ખૂબ જ સારું કાર્ય કરી શકે એમ છે પરંતુ આ નિર્ણયને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે તેઓ ભાગ લઈ શકતા નથી અને આ નિયમ ધારાસભ્યો માટે નહીં, લોકસભા સદસ્યો માટે નહીં, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અનિવાર્ય છે? પરિવારનું કદ, વ્યક્તિગત અને સામાજિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલ વિષય છે. જન સંખ્યા નિયંત્રણ માટે શિક્ષણ, આરોગ્ય અને જાગૃતિ અસરકારક સાધનો છે, ચૂંટણી અયોગ્યતા નહીં. આથી વિનંતી છે કે રાજસ્થાનના નિર્ણયને અનુસરીને ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં સુધારા કરી બે સંતાન મર્યાદાની સંબંધિત અયોગ્યતા કલમ તાત્કાલિક રદ કરવામાં આવે જેથી આવનારી સ્થાનિક સ્વરાજ ચૂંટણી વધુ સમાન અને વ્યાપક લોકશાહી આધારિત બને. રાજ્ય હિતમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવતી તેવી આશા રાખીએ છીએ.




