
LPG ની અછત વચ્ચે સરકારની મોટી જાહેરાત.જરૂરિયાત મુજબ નવા PNG કનેક્શન તાત્કાલિક અપાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા અને ગેસ વિતરકોને સહયોગ આપવા અપીલ કરી.કોમર્શીયલ LPG ગેસના બાટલા ન મળતા ગુજરાતભરમાં મોટી મુશ્કેલી પેદા થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નાગરિકોને પાઈપલાઈન દ્વારા અવિરત ગેસ પુરવઠો મળી રહે તે માટે મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. સાથે જ ઘરેલુ LPG સબંધિત મદદ માટે ટેલિફોન નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ ટોલફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગત મોડી સાંજે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ સહિતના કેબિનેટ મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ અને મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ નાગરિકોને પાઈપલાઈન દ્વારા અવિરત ગેસ પુરવઠો મળી રહે તે માટે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. સાથે જ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે LPG સિલિન્ડરના પૂરતા જથ્થાના વિતરણને સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે રાજ્યમાં ઘરેલું વપરાશ (Domestic Use) માટે પીએનજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી જિલ્લાના નાગરિકોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા અને ગેસ વિતરકોને સહયોગ આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપૂર્વ ક્ષેત્રમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે LPG સિલિન્ડરના પૂરતા જથ્થાના વિતરણને સુનિશ્રિત કરવા માટે રાજ્ય સરકાર તથા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્નો અને મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘરેલું LPG ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તે રીતે વિતરણ વ્યવસ્થાનું સતત મોનિટરીંગ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ઘરેલુ જરૂરિયાત માટેના LPG પૂરતો પુરવઠો મળી રહે અને બિનજરૂરી સંગ્રહ ન થાય તે માટે કેન્દ્ર સરકારના સૂચન અનુસાર જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બે LPG સિલિન્ડરના બુકીંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવા ર્નિણય કરવામાં આવેલ છે.




