
દિલ્હી ફરી કલંકિત દિલ્હીમાં ૧૬ વર્ષની સગીરા પર સ્લીપર બસમાં દુષ્કર્મ ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંતોષે ૪૭ કિલોમીટર સુધી ચાલતી બસમાં દુષ્કર્મ આચર્યું : બંને આરોપીની ધરપકડ દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર કલંકિત થઇ છે. નોઇડાથી દિલ્હી વચ્ચે દોડતી એક સ્લીપર બસમાં ૧૬ વર્ષની સગીરા પર બસના ડ્રાઇવર અને કંડક્ટરે ગેંગરેપ આચર્યાની ભયાનક ઘટના સામે આવી છે. ૪૭ કિલોમીટર સુધી ચાલતી બસમાં સગીરા પર અત્યાચારનો ખુલાસો થયા બાદ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ૪ ઓગસ્ટની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના મૈનપુરીની રહેવાસી અને ૧૧મા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની સગીરા પોતાના ઘરના સભ્યોથી નારાજ થઈને નોઇડામાં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે સગીરા ભૂલથી નોઇડાના પરી ચોક ખાતે ઉતરી ગઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલી એક ખાલી સ્લીપર બસના ડ્રાઇવર અને કંડક્ટરે તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કહીને બસમાં બેસાડી લીધી હતી.
બસ સુરજપુર વર્કશોપમાંથી રિપેરિંગ કરાવીને કાશ્મીરી ગેટ તરફ જઈ રહી હતી. પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધીના ૪૭ કિલોમીટરના મુસાફરી દરમિયાન બસના ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંતોષે સગીરા સાથે અશ્લીલ હરકતો કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વિરોધ કરવા પર સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બસ સ્લીપર હોવાથી અને તેના કાચ પર પડદા લાગેલા હોવાથી બહારના લોકોને અંદર થઈ રહેલી ઘટનાની જાણ થઈ શકી નહોતી. દરિંદગી આચર્યા બાદ બંને આરોપીઓ મોડી રાત્રે સગીરાને કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગ રોડ પર છોડીને ભાગી ગયા હતા. ગભરાયેલી સગીરાએ હિંમત કરીને કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી.
સગીરાની ફરિયાદ આધારે દિલ્હી પોલીસે તુરંત ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તિમારપુર વિસ્તારમાં આવેલી એક બસ પાર્કિંગમાંથી આરોપી ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસને પણ જપ્ત કરવામાં આવી છે અને તેનું ફોરેન્સિક પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.




