
અભિજીત દીપકેએ કર્યા વખાણ Gen Z ના સૌથી પોપ્યુલર નેતા બન્યા વિજય થલાપતિ આ દરમિયાન તેમણે દેશના અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજ્યોમાં થયેલા વિકાસ કાર્યો વિશે પણ ખુલીને વાત કરી હતી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જાેસેફ વિજય ઉર્ફે થલાપતિ વિજયને યુવાનો એટલે કે Gen Z માં સૌથી લોકપ્રિય નેતા તરીકે ગણાવ્યા છે. આ દરમિયાન તેમણે દેશના અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજ્યોમાં થયેલા વિકાસ કાર્યો વિશે પણ ખુલીને વાત કરી હતી.
એક મીડિયા કાર્યક્રમમાં જ્યારે અભિજીત દીપકને સવાલ પૂછવામાં આવ્યો કે Gen Z માં સૌથી લોકપ્રિય નેતા કોણ છે, ત્યારે તેમણે થલાપતિ વિજયનું નામ લીધું. તેમણે જણાવ્યું કે વિજયે જે પ્રકારનું જન સમર્થન અને અભિયાન ચલાવ્યું છે, તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. પાર્ટીના અન્ય એક નેતા સૌરભ દાસે પણ સમર્થન આપતા કહ્યું કે દક્ષિણ ભારતમાં તેમના લાખો ચાહકો અને ફોલોઅર્સ છે. જ્યારે તેમને યુવા નેતાઓની પસંદગી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે મોટાભાગના નેતાઓ હવે મોટી વયના થઈ ગયા છે.
આ ચર્ચા દરમિયાન, દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓ વિશે વાત કરતા અભિજીત દીપકે કેટલાક નેતાઓના કામની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યના અર્થતંત્રને મજબૂત કરવામાં ઉત્તમ કામ કર્યું છે. આ ઉપરાંત, તેમણે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયનના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના મોડેલના વખાણ કર્યા હતા. દિલ્હીના સંદર્ભમાં વાત કરતા તેમણે અરવિંદ કેજરીવાલના શાળાઓ અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં થયેલા સુધારાઓની પણ સરાહના કરી હતી અને કહ્યું કે જાે કોઈએ સારું કામ કર્યું છે, તો તેની પ્રશંસા કરવી જાેઈએ.
રાજકીય અને સામાજિક ગતિવિધિઓની વાત કરીએ તો, કોકરોચ જનતા પાર્ટી ફરી એકવાર દિલ્હીના રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ આગામી ૫ સપ્ટેમ્બરે એક શાંતિપૂર્ણ કૂચની જાહેરાત કરી છે. અગાઉ જૂન-જુલાઈ મહિનામાં પણ સીજેપીના બેનર હેઠળ દિલ્હીના જંતર-મંતર પર મોટો વિરોધ પ્રદર્શન યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ સમર્થન આપ્યું હતું. પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે વિરોધ નોંધાવ્યા બાદ, તાજેતરમાં જ સીજેપી દ્વારા તમામ રાજ્ય સરકારોને પત્ર લખવામાં આવ્યો છે.આ પત્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં શાળાઓની માળખાકીય સુવિધાઓ, ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ અને શાળાઓ માટે ફાળવવામાં આવેલા ફંડ વિશે વિગતવાર માહિતી માંગવામાં આવી છે. અભિજીત દીપકે પત્રમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર સરકાર ભલે સારા દાવા કરતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ પણ અનેક શાળાઓમાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, વર્ગખંડો અને બેસવા માટે બેન્ચ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી મળી રહી નથી. આ પહેલથી શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નો ફરી એકવાર એજન્ડા પર આવ્યા છે.




