
ભાજપના મંત્રીનું વિચિત્ર નિવેદન ‘ખાંડ હજુ મોંઘી કરી દો, ૪૦થી વધુ વયના લોકોને તો મળવી જ ના જાેઈએ’ ડૉક્ટર હોય કે આયુર્વેદના જાણકાર હોય તેઓ ૪૦ વર્ષથી વધુ વયના લોકોને ખાંડ ખાવા મળે તે સારુ નથી માનતા પહેલા પેટ્રોલ-ડીઝલ, પછી ખાદ્ય તેલ અને હવે ખાંડની વધતી કિંમતોએ લોકોની ચિંતા વધારી દીધી છે ત્યારે ભાજપના મંત્રીએ આવા સંકટના સમયે પણ વિચિત્ર નિવેદનો આપીને લોકોની જાણે હસી ઉડાડતા હોય તેવો આભાસ થાય છે. અનેકવાર પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ વખતે ખાંડ વિશે કંઇક એવું કહી દીધું કે જેનાથી તે ફરી લોકોના નિશાને આવી ગયા છે.ખાંડની વધતી જતી કિંમતો વચ્ચે કૈલાશ વિજયવર્ગીયએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ‘ખાંડ એટલી મોંઘી કરી દેવી જાેઇએ કે તે ૪૦થી વધુ વયના લોકોને મળવી જ ના જાેઈએ, આજકાલ તો ૯૦% લોકો એવા છે જે ગળ્યું ખાવાનું પસંદ જ નથી કરતા અને મેં પોતે પણ મીઠી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું છે.’જ્યારે તહેવારોની સિઝનમાં ખાંડના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે વિપક્ષ પણ સત્તાપક્ષ ભાજપ આકરા પ્રહારો કરી રહ્યું છે. તેને જાેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે ખાંડના ભાવ તો ઘટી રહ્યા છે. તેમણે મજાકમાં કહ્યું કે ખાંડ એટલી મોંઘી કરી દો કે તે ફક્ત બાળકો માટે જ રેશનની દુકાન પર સસ્તા ભાવે મળે અને વૃદ્ધોને તો આપવી જ નહીં. ડૉક્ટર હોય કે આયુર્વેદના જાણકાર હોય તેઓ ૪૦ વર્ષથી વધુ વયના લોકોને ખાંડ ખાવા મળે તે સારુ નથી માનતા. ૪૦થી વધુ વયના લોકોને ગળ્યું ખાવાનુ મન થતું હોય તો ક્યારેક ગોળ ખાવી લેવાનુ પણ ખાંડથી તો બચવું જ જાેઈએ.કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓ મોંઘવારી ઘટાડવાનો વાયદો કરી સત્તામાં આવ્યા હતા પણ હવે ખાંડ મોંઘી થતા તેમના નેતા-મંત્રીઓ વાહિયાત નિવેદનો કરીને ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે, તેમનું અપમાન કરી રહ્યા છે. ભાજપના નેતાઓને દેશ જાેઈ રહ્યું છે. આગામી ચૂંટણીમાં પ્રજા તેમની આ મજાકનો આકરો જવાબ આપશે.




