
સંભલ મસ્જિદ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલી શાહી જામા મસ્જિદની પ્રબંધન સમિતિએ ગુરુવારે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે, જેમાં નીચલી અદાલત દ્વારા મસ્જિદના સર્વેક્ષણના આદેશને પડકારવામાં આવ્યો છે. પોતાની અરજીમાં કમિટીએ નીચલી કોર્ટના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. શુક્રવારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી કરશે. સમિતિનું કહેવું છે કે મસ્જિદના સર્વેનો આદેશ કાયદાની વિરુદ્ધ છે.
દરમિયાન, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તે દેશભરની નીચલી અદાલતોને મસ્જિદો અને દરગાહ સંબંધિત દાવાઓ પર અરજીઓ સ્વીકારવાથી અટકાવે. બોર્ડનું કહેવું છે કે આવા કિસ્સાઓ માત્ર વિવાદો જ નહીં પરંતુ ધાર્મિક સમુદાયો વચ્ચે તણાવ પણ વધારી રહ્યા છે.
વિવાદની પૃષ્ઠભૂમિ
સંભલ મસ્જિદ અંગે નીચલી અદાલતે મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર 19 નવેમ્બરે જામા મસ્જિદનો પ્રથમ સર્વે કરવામાં આવ્યો ત્યારથી સંભલમાં તણાવની સ્થિતિ છે. જે અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા જે જગ્યાએ જામા મસ્જિદ આવેલી છે ત્યાં હરિહર મંદિર હતું.
ગયા રવિવારે મસ્જિદના ફરીથી સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. સર્વે રિપોર્ટ 29 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
રવિવારે જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. તેમની ઓળખ નઈમ, બિલાલ, નોમાન અને કૈફ તરીકે થઈ છે. પોલીસે આ મામલામાં સાત કેસ નોંધ્યા છે અને અત્યાર સુધીમાં 31 લોકોની ધરપકડ કરી છે. સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે અને સંભલ સદર સીટના પાર્ટીના ધારાસભ્ય ઇકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઇકબાલનું નામ એક કેસમાં છે.
