
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારી, બેકારી, ગુન્હાખોરી, ગેસ, પેટ્રોલ, ડીઝલના વધેલા ભાવો વચ્ચે સર્જાતી અછતની અસરો હવે સાવ તળિયાના માનવીને પણ સ્પર્શી રહી છે. ત્યારે એવા જ આક્રોશના ભાગ રૂપે નોએડાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામા આવેલી અનેક કંપનીઓના ૧૦૦૦ થી વધુ કર્મચારીઓ પગાર વધારાને લઈને છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. લગભગ ૫૦૦ થી વધુ કર્મચારીઓ મધરસન નામની કંપનીની બહાર ભેગા થયા હતા. આ પ્રદર્શન સોમવારે હિંસક આંદોલન બની ગયું હતું. ૯ એપ્રિલ થી પગાર વધારાની માંગણી લઈને ધરણા પર બેઠેલા કામદારોની વાત કોઈ સાંભળતું નથી એવું તેમને લાગતા સેંકડોની સંખ્યામાં લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. કર્મચારીઓ એટલા વિફર્યા હતા કે તેમણે સેક્ટર-ટુ માં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ૫૦થી વધુ ફેક્ટરીઓમાં પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ કરી હતી. બહાર પાર્ક કરાયેલી ૧૫૦ થી વધુ ગાડીઓ તોડી હતી અને ૫૦ ગાડીઓ આગને હવાલે કરી હતી. ભીડને કાબુમાં લેવા આવેલી પોલીસની ગાડીઓને પણ આંદોલનકારીઓ એ પલટાવી નાંખી હતી. એનાથી ચોંકેલી પોલીસે જ્યારે જોયું કે હવે હાલત બગડતા જ અનેક થાણાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
વિફરેલા કર્મચારીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસ છોડયો હતો. પોલીસે ડઝનેક આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. આ ભીડ અને આંદોલનકારીઓને કોઈ નેતા નથી. લગભગ ૧૮ થી 30 વર્ષના યુવાન કર્મચારીઓ હિંસક પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિ જોઈને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હાઈ લેવલ કમિટી બનાવી છે. તેમનું કહેવું છે કે “ઔદ્યોગિક ક્ષેત્રે અશાંતિ પેદા કરતા લોકોથી સાવધાન રહો. અમારી સરકાર શ્રમિકોની સાથે જ છે.”
ફેક્ટરીના શ્રમિકોની મુખ્ય માંગણીઓ શું છે?
(૧) હરિયાણામાં લગભગ ૩૫ ટકા પગાર વધ્યો છે, એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ વધારવામાં આવે.
(૨) ઓવર ટાઈમ કરવા પર બમણું વેતન મળે.
(૩) બોનસ સીધું બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે.
(૪) દર મહિનાની દસ તારીખ સુધીમાં પગાર મળે અને સેલરી સ્લીપ પણ સાથે હોય.
(૫) અઠવાડિયામાં એક દિવસની છૂટ્ટી મળવી જોઈએ. રજાના દિવસે કામ કરાવવામાં આવે તો એનું બમણું
વળતર મળે.
(૬) ફેક્ટરીઓમાં કામ કરતા માણસોની સુરક્ષા માટેના નિયમોનું પાલન થાય.




