વુમન્સ પ્રીમિયર લીગ 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમે યુપી વોરિયર્સની ટીમને 9 વિકેટથી હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે યુપી વોરિયર્સ ટીમના બેટ્સમેનો પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને 20 ઓવર પછી ટીમ 119 રન જ બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી રાધા યાદવ અને મેરિજને કેપ્પે શાનદાર બોલિંગ કરી હતી. આ પછી શેફાલી વર્માએ બેટિંગમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું. તેણે જોરદાર ઇનિંગ રમી હતી. વર્તમાન સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે આ પ્રથમ જીત છે. વર્તમાન સિઝનમાં યુપી વોરિયર્સની ટીમની આ સતત બીજી હાર છે.
શેફાલી વર્માએ જોરદાર ઇનિંગ રમી હતી
યુપી વોરિયર્સની ટીમે આપેલા 120 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સે એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. દિલ્હી કેપિટલ્સ માટે શેફાલી વર્માએ 43 બોલમાં 64 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 51 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે ટીમને એક રનની જરૂર હતી. ત્યારબાદ લેનિંગ આઉટ થયો હતો. આ પછી જેમિમાહ રોડ્રિગ્ઝે ચોગ્ગો ફટકારીને દિલ્હીની ટીમને જીત અપાવી હતી.
ટીમને શાનદાર શરૂઆત અપાવી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમને કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માની જોડી દ્વારા ઝડપી શરૂઆત મળી હતી. શેફાલીએ સોફી એક્લેસ્ટોન પર ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું અને પછી ગૌહર સુલ્તાના પર ઇનિંગ્સનો પહેલો છગ્ગો ફટકાર્યો. જોકે, સુલ્તાનાની ઓવરમાં લેનિંગ નસીબદાર હતો જ્યારે વૃંદાએ શોર્ટ ફાઈન લેગ પર તેનો કેચ છોડ્યો હતો.
રાધા યાદવે ચાર વિકેટ લીધી હતી
યુપી વોરિયર્સની ટીમ સ્પિનર રાધા યાદવ (20 રનમાં ચાર વિકેટ) અને મરિજને કેપ્પ (પાંચ રનમાં ત્રણ વિકેટ)ની શાનદાર બોલિંગ સામે નવ વિકેટે 119 રન જ બનાવી શકી હતી. શ્વેતા સેહરાવતે 42 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન ફટકારીને ટીમની ટોપ સ્કોરર રહી હતી. તેના સિવાય વોરિયર્સનો અન્ય કોઈ બેટ્સમેન 20 રનના આંકને પણ સ્પર્શી શક્યો નહોતો. મેરિજેને પાવર પ્લેમાં ત્રણ વિકેટ લઈને આ નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. મેરિજેને પ્રથમ ઓવરમાં માત્ર એક રન આપીને શરૂઆત કરી હતી. વોરિયર્સની ટીમ પાવર પ્લેમાં છ ઓવરમાં ત્રણ વિકેટે 21 રન જ બનાવી શકી હતી. મેરિજેન કેપને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.