મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ત્રીજા દિવસે નીતીશ કુમાર રેડ્ડીએ સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી. નીતીશે સદી ફટકારી ત્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલ સ્થિતિમાં હતી. સદી બાદ નીતિશના પરિવારની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ. હવે ભારતીય ઓલરાઉન્ડરનો પરિવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરને મળ્યો.
નીતિશ રેડ્ડીના પરિવાર સાથે ગાવસ્કરની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિશના પિતા મુત્યાલા રેડ્ડી આશીર્વાદ લેવા માટે દિગ્ગજ ગાવસ્કરના પગે પડે છે. આ દરમિયાન નીતિશની માતા અને બહેન પણ હાજર છે. આશીર્વાદ પછી ગાવસ્કર નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીને ગળે લગાવે છે.
તમને જણાવી દઈએ કે ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાન રેડ્ડીએ 189 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા. રેડ્ડીની આ ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયા બોર્ડ પર 369 રન બનાવી શકી હતી. રેડ્ડીને સપોર્ટ કરતા વોશિંગ્ટન સુંદરે અડધી સદીની ઇનિંગ રમી હતી.
Nitish Kumar Reddy's family meeting the Great Sunil Gavaskar. [ABC Sport]
– Beautiful moments at MCG…!!! pic.twitter.com/DEFJpCRSWY
— Johns. (@CricCrazyJohns) December 29, 2024
ચોથા દિવસના અંત સુધી સ્પર્ધાની સ્થિતિ
મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરતા 228/9 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ 173 રનના સ્કોર પર 9મી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડે ટીમ માટે 55* (110 બોલ) રનની ભાગીદારી કરી. દિવસના અંતે લિયોન 41 રને અણનમ અને બોલેન્ડ 10 રને અણનમ પરત ફર્યા હતા. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 333 રનની લીડ મેળવી લીધી હતી. હવે પાંચમા દિવસે મેચનું પરિણામ શું આવે છે તે જોવું રસપ્રદ રહેશે.