Gujarati News: હાલ ચાલી રહેલી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન ગઇકાલે બે વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન સાથે ઝડપાયા હતા. અમદાવાદમાં ધો. 12 સાયન્સના બાયોલોજીના પેપરમાં એક વિદ્યાર્થિની મોબાઇલમાંથી ચોરી કરી હતી જ્યારે ભાવનગરમાં ધો. 12 સામાન્ય પ્રવાહના પેપરમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો હતો. આ સાથેજ ગઇકાલે ધો. 10 અને 12ની પરીક્ષામાં 5 જેટલા ગેરરીતિના કેસ નોંધાયા હતા.
ગુજરાત બોર્ડ પરીક્ષામાં આજે સવારના સેશનમાં ધો.10માં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા હતી.જેમાં અમદાવાદના મણિનગરના એક કેન્દ્રમાં એક ગેરરીતિનો કેસ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રના એક કેન્દ્ર પણ કોપી કેસ નોંધાયો હતો. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન વિષયની પરીક્ષા હતી. આ પરીક્ષામાં ગેરરીતિના બે કેસ નોંધાયા હતા.જેમાં ભાવનગરમાંથી એક રીપિટર વિદ્યાર્થી મોબાઈલમાંથી ચોરી કરતા પકડાયો હતો. આ ઉપરાંત વડોદરમાં એક કોપી કેસ નોંધાયો હતો.
રીપિટર વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ મળી આવ્યો
અમદાવાદના ઘાટલોડિયાની શિવ વિદ્યાલયમાં ધો. 12 સાયન્સની પરીક્ષા દરમિયાન રીપિટર વિદ્યાર્થિની સ્માર્ટફોન સાથે પકડાઇ હતી. પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ ચાલુ પરીક્ષામાં રિંગ વાગી હતી. જેથી વિદ્યાર્થિની પાસે પ્રથમ ફોન લઇ લેવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થિની દ્વારા વારંવાર ફોની માગણી કરવામાં આવી હતી. જેથી સંચાલક દ્વારા વિદ્યાર્થિની સામે નિયમ અનુસાર પોલીસ ફરિયાદ કરાવી હતી. આ વિદ્યાર્થિનીના ફોનમાંથી જવાબો સાથે 50થી 60 ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા.
મણિનગરમાં વિદ્યાર્થિની ડ્રેસ અને હાથ પર જવાબો લખીને આવી
ધો.10ની આજની પરીક્ષામાં અમદાવાદ શહેરના મણિનગર ઝોનમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થિની કપડાં અને હાથ પર જવાબો લખીને આવી હતી. સ્થળ સંચાલકના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીએ પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને ડ્રેસ પર દુપટ્ટો લગાવ્યો હતો.દુપટ્ટાની નીચે જવાબો દેખાય નહીં તે રીતે લખ્યા હતા. વિદ્યાર્થિની જવાબો લખતી હતી ત્યારે 12.30 વાગ્યાની આસપાસ તે પકડાઈ ગઈ હતી.હાથ પર પણ જવાબો લખીને લાવી હતી.આ વિદ્યાર્થિની ઓપન સ્કૂલ બોર્ડમાંથી રેગ્યુલર પ્રાઈવેટ કેન્ડિડેટ તરીકે પરીક્ષા આપી રહી હતી.